________________
અ૦ ૧ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
ઇન્દ્રિયો, ધન વગેરે ભૌતિક સાધનો જોઇએ. એ સાધનો વિના ભૌતિક સુખ ભોગવી શકાય નહિ. કોઇના પણ એ ભૌતિક સાધનો નિત્ય રહેતાં નથી. ચક્રવર્તીનાં કે ઇન્દ્રના પણ એ સાધનો નિત્ય રહેતાં નથી. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. સંયોગ વિયોગ માટે જ સર્જાયેલો છે. ભૌતિક વસ્તુઓનો વિયોગ બે રીતે થાય—
(૧) ભૌતિક વસ્તુઓ આપણને છોડીને ચાલી જાય.
(૨) અથવા જીવને એ વસ્તુઓ છોડીને ચાલ્યા જવું પડે.
2
અપૂર્ણ— ભૌતિક વસ્તુઓથી મળતું સુખ જેમ દુઃખમિશ્રિત, આંતરાવાળું અને અનિત્ય છે તેમ અપૂર્ણ છે. અર્થાત્ એ સુખ જેટલું ભોગવવાની ઇચ્છા હોય તેટલું ભોગવી શકાતું નથી. જેમ કે—સ્વાદિષ્ટ ભોજન ઘણું કરવાની ઇચ્છા થાય છે, પણ ઘણું ભોજન કરી શકાતું નથી. અથવા અપૂર્ણ એટલે તૃપ્તિની અપૂર્ણતા, ભૌતિક સુખ ગમે તેટલું ભોગવવા છતાં તૃપ્તિ (=સંતોષ) થતો નથી, ઓછું જ લાગે છે. ધન ઘણું મળવા છતાં ઓછું જ લાગે છે. દરેક જીવે સંસારમાં પરિભ્રમણ કરતાં અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો જેટલો આહાર કર્યો છે, અસંખ્ય સમુદ્રોથી પણ અધિક જલપાન કર્યું છે, છતાં આહારની તૃપ્તિ થઇ નથી. દેવભવમાં અને યુગલિકભવમાં અસંખ્ય વર્ષો સુધી વિવિધ ભૌતિક સુખો ભોગવવા છતાં તૃપ્તિ થઇ નથી. આથી ભૌતિક સુખ અપૂર્ણ છે.
પરાધીન– ભૌતિક સુખ પરાધીન છે. ભૌતિક સુખને ભોગવવાની ઇચ્છા થાય તેટલા માત્રથી ભોગવી શકાય નહિ. કારણ કે પુણ્યોદય હોય તો જ ભૌતિક સુખ ભોગવી શકાય. ભૌતિક સુખ ભોગવવા માટે સશક્ત શરીર, ઇન્દ્રિયો, ધન વગેરે અનેક વસ્તુઓની જરૂર પડે છે. એ બધી વસ્તુઓ પુણ્યોદય હોય તો જ મળી શકે છે. ભૌતિક સુખનાં એ બધા સાધનો ઇચ્છાથી કે મહેનત કરવાથી મળે જ એવો નિયમ નથી. પુણ્યોદય હોય તો જ મળે. પુણ્યોદયથી ભૌતિક સાધનો મળ્યા પછી પુણ્યોદય હોય તો જ એ સાધનોથી સુખ ભોગવી શકાય. જેમ કે—પુણ્યોદયથી લક્ષ્મી મળી હોય, પણ ભૌતિક સુખને ભોગવવાનું પુણ્ય ન હોય તો એ લક્ષ્મીથી સુખ ન ભોગવી શકાય. જેમ કે મમ્મણ શેઠ અથવા સદા બિમાર રહેનાર શ્રીમંત ભોગસુખો ભોગવી શકે નહિ.