________________
અ૦ ૧ સૂ૦ ૨૦]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૫
પર્યાવસાનથી—અંતથી રહિત તે અપર્યવસિત. ટૂંકમાં સપર્યવસિત એટલે સાંત અને અપર્યવસિત એટલે અનંત.
૭-૮-૯-૧૦ એ ચાર ભેદોની દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિચારણા આ પ્રમાણે છે—
(૧) દ્રવ્યથી– કોઇ જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે તેના શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે અને કોઇ જીવનું સમ્યગ્દર્શન ચાલ્યું જાય ત્યારે શ્રુતજ્ઞાનનો અંત થાય છે. આથી એક જીવદ્રવ્યને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. અનેક જીવદ્રવ્યોને આશ્રયીને શ્રુત અનાદિકાળથી ચાલ્યું જ આવે છે અને શિષ્યપ્રશિષ્યોની પરંપરાથી અનંતકાળ સુધી શ્રુત ભણાતું જ રહેશે. આથી અનેક જીવદ્રવ્યોને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે.
(૨) ક્ષેત્રથી– ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થની સ્થાપના થાય ત્યારથી શ્રુતનો પ્રારંભ થાય છે અને તીર્થવિચ્છેદ થાય ત્યારે શ્રુતનો અંત આવે છે. માટે ભરત-ઐરાવત ક્ષેત્રને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે, અને મહાવિદેહમાં સદા તીર્થંકરો હોવાથી મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે. (૩) કાળથી— ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ત્રીજા આરાનો કેટલોક કાળ ગયા પછી શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે, ઉત્સર્પિણીમાં ચોથા આરાનો કેટલોક કાળ ગયા પછી અને અવસર્પિણીમાં પાંચમા આરાને છેડે શ્રુતનો અંત થાય છે. માટે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. મહાવિદેહમાં નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ છે. તે કાળને આશ્રયીને શ્રુત સદા હોવાથી અનાદિ-અનંત છે.
(૪) ભાવથી— ક્ષાયોપશમિક સમ્યક્ત્વને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે શ્રુતનો પ્રારંભ થાય છે તેથી સાદિ છે અને ચાલ્યું જાય ત્યારે શ્રુતનો અંત થાય છે તેથી સાંત છે.
(૧૧-૧૨) ગમિકશ્રુત-અગમિકશ્રુત— જે શાસ્ત્રોમાં વારંવાર સરખે સરખા પાઠો આવતા હોય તે ગમિકશ્રુત. આ પ્રાયઃ દૃષ્ટિવાદમાં હોય છે. જેમાં સરખે સરખા પાઠો ન હોય તે અગમિકશ્રુત. જેમ કે—આચારાંગ વગેરે.
ન