________________
૧૩
અ) ૧ સૂ૦૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
અધિગમ=ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત.
કોઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કોઈ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઇને પણ ન પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન છે. આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. આગળ બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં જીવોના ભાવોનું સ્વરૂપનું વર્ણન આવશે. તેમાં જીવના પાંચ ભાવોનું વર્ણન છે. આ પાંચ ભાવોમાં પારિણામિક નામનો એક ભાવ છે. તેના ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે ભેદો છે.
ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવો છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય. મોક્ષની સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી મોક્ષ ન પામે. ભવ્ય જીવમાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અભવ્ય જીવમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અયોગ્યતા. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા.
જીવરૂપે બધા સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભવ્ય અને અભિવ્ય એવા ભેદો પડે છે. ગાયનું અને આકડાનું દૂધ દૂધરૂપે સમાન હોવા છતાં એ બેમાં ભેદ છે. એકમાં દહીં-ઘી રૂપે બનવાની યોગ્યતા છે અને અન્યમાં દહીં-ઘી બનવાની યોગ્યતા નથી. સ્ત્રીરૂપે બધી સ્ત્રીઓ સમાન છતાં એક વંધ્યા અને અન્ય અવંધ્યા એવા ભેદો પડે છે. કારણ કે એકમાં પુત્રોત્પત્તિની યોગ્યતા નથી અને એકમાં તે યોગ્યતા છે.