________________
અ૦ ૧ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૯
(૩) આસ્રવ– કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસ્રવ છે. મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ (યોગ) એ દ્રવ્ય આસ્રવ છે. મનવચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ છે. અથવા આસ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસ્રવ અને દ્રવ્ય આસવમાં કારણભૂત મનવચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે.
છઠ્ઠા અધ્યાયમાં વિવિધ દૃષ્ટિએ આસ્રવતત્ત્વનું વર્ણન આવશે. સાતમા અધ્યાયમાં વ્રતોમાં લાગતા અતિચારોનું વર્ણન આવશે. અતિચારોનું સ્વરૂપ સમજાવવા પ્રથમ વ્રતોનું સ્વરૂપ બતાવશે. વ્રતોમાં લાગતા અતિચારો આસવરૂપ હોવાથી સાતમા અધ્યાયમાં પણ આસ્રવનું જ વર્ણન આવશે.
(૪) બંધ– કર્મપુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. બંધનું વિવેચન આ ગ્રંથમાં આઠમા અધ્યાયમાં આવશે.
(૫) સંવર– આત્મામાં આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુપ્તિ આદિ દ્રવ્યસંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરમાં કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ-ગુપ્તિ વગેરે ભાવસંવર છે. સંવરનું વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે.
(૬) નિર્જરાન કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યનિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્યનિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્જરા છે. નિર્જરાતત્ત્વનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે.
(૭) મોક્ષ— સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્યમોક્ષ. દ્રવ્યમોક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે. મોક્ષતત્ત્વનું વર્ણન દશમા અધ્યાયમાં આવશે. ૧. દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક=થોડા કર્મોનો ક્ષય તે આંશિક
કે દેશ નિર્જરા છે. સઘળાં કર્મોનો ક્ષય એ સંપૂર્ણ કે સર્વ નિર્જરા છે. અહીં નિર્જરાતત્ત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મોક્ષતત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે સધળાં કર્મોનો ક્ષય એ મોક્ષ છે.