________________
તારું શાશ્વત સ્વરૂપ નિહાળતો હોઈશ ત્યારે તારામાં વીર્ય સ્ફૂરણા જોરદાર થશે અને તેની શાશ્વતતાથી નિર્ભય બનેલો તું પ્રમાદને હઠાવીને તેમાં (સ્વરૂપમાં) સ્થિરતાનું અનુપમ સુખ અનુભવતો હોઈશ.
આવી છે ચૈતન્યની ગંભીરતા, અગાધતા, વિરાટતા, વિશાળતા, વ્યાપકતા, સમગ્રતા, શાશ્વતતા, અખંડિતતા.
ર૧. આત્માનું સ્વરૂપ
વૈ.શુ. ૧, ૨૦૪૩
હે ચેતન ! તારું સ્વરૂપ જો ! તેની પ્રભુતા-પરમેશ્વરતા અખૂટ છે. તેનું પ્રભુત્વ સમગ્ર વિશ્વ ઉપર છે. તેની શક્તિ જગતનો નાશ કરવાની પણ છે અને વિશ્વને ધારી રાખવાની પણ છે, પરંતુ તે શક્તિનો ઉપયોગ કરવા માટે વિકૃતતા નથી, માટે તે રૂપે કરતા નથી. જે પ્રભુ છે તેનું ઐશ્વર્ય પણ તેવું જ હોય છે. તું તારા પ્રભુત્વ સ્વરૂપને નિહાળતો હોઈશ ત્યારે તારી દીનતા સદા માટે ચાલી જશે. અને તારી અચિંત્ય શક્તિમાં લીન બનેલો પરમાર્થને સાધીશ.
હે ચેતન ! તારું પૂર્ણ સ્વરૂપ તો નિહાળ ! તેની પૂર્ણતા-પવિત્રતા અમાપ છે. જેથી જયાં દિષ્ટ જાય છે ત્યાં પૂર્ણતા જ ભાસે છે. કાંઈ અધૂરું જ નથી. પૂર્ણતાને પામેલું તારું સ્વરૂપ હવે કાંઈ પણ ઈચ્છતું નથી. જેથી જગતને પૂર્ણ જોતો, ઈચ્છાના અંતના કારણે પોતામાં તે સ્વરૂપ સમાઈ જાય છે. કોઈને ડખલગીરી કરતો નથી. સ્વમાં સમાયેલું એ સ્થિરતાને પામેલું છે, જેથી અવર્ણનીય સુખનો અનુભવ કરે છે. જે પૂર્ણ છે, તે પવિત્ર છે. કારણ કે ઈચ્છારૂપ મલિનતા તેની પૂર્ણતાથી ધોવાઈને સારી થઈ ગઈ છે. એવું પૂર્ણતાનું સુખ તું ભોગવ !
હે ચેતન ! તારું અનંત સ્વરૂપ નિહાળ ! તે લોકના અંતને પણ ઉલ્લંઘી ગયેલું છે. તેની અનંતતાઅમાપતા જગતને પેલે પાર ચાલી ગયેલી છે.
તારું સ્વરૂપ નિહાળવાથી તારી પાસે અલ્પતાનો અંશ રહેતો નથી, જેથી સદા પોતાનામાં જ ભરેલો ભરેલો લાગવાથી સાચા સુખનો અનુભવ કરે છે.
રર. આત્મસ્વભાવ-ચૈતન્ય સદ્ભાવ
શ્રા.શુ. ૧, ૨૦૪૩, બંગલો જામનગર આત્માના સ્વભાવમાં ચૈતન્યનો સદ્ભાવ છે. આત્માનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ છે. ચૈતન્ય સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે.
દર્શન એ સત્તા સંબંધવાળું છે, ચિદ્ એ જ્ઞાનના સંબંધવાળું છે અને ચારિત્ર એ આનંદના સંબંધવાળું છે.
દર્શન એ આત્માની સત્તાનું આલંબન લે છે, જ્ઞાન એ આત્માના ચિત્ સ્વરૂપનું આલંબન લે છે, ચારિત્ર એ આત્માના આનંદ સ્વરૂપનું આલંબન લે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
120
www.jainelibrary.org