________________
શ્રી અરવિંદભાઈના માતા મહાલક્ષ્મીબહેન અત્યંત ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. પર્વોમાં તો એમની તપશ્ચર્યા ચાલતી, પરંતુ અન્ય દિવસોમાં પણ વિવિધ તપશ્ચર્યાઓ ચાલ્યા કરતી હતી. શ્રી અરવિંદભાઈના નાના છોટુભાઈ લલ્લુભાઈ ઝવેરી વિદ્યાશાળાની ધર્મપ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહેતા હતા અને શ્રી અરવિંદભાઈને ધર્મપ્રવૃત્તિના પ્રારંભિક સંસ્કાર એમની પાસેથી મળ્યા. શ્રી અરવિંદભાઈના લગ્ન શ્રી શેરિસા તીર્થનું નિર્માણ કરનાર શ્રી સારાભાઈ ડાહ્યાભાઈના સુશીલ અને ધર્મપરાયણ પુત્રી પદ્માબહેન સાથે ૧૯૪૧ની બીજી ફેબ્રુઆરીએ થયા.
શ્રી અરવિંદભાઈએ અમદાવાદની આર.સી. હાઈસ્કૂલમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. આ સમયે એમના સહાધ્યાયીઓમાં શ્રી અરવિંદભાઈ નરોત્તમ, શ્રી રમેશ ચંદુલાલ ઝવેરી, શ્રી બકુભાઈ ચમનલાલ મંગળદાસ અને શ્રી નવનીતભાઈ રણછોડલાલ પરીખ જેવા મહાનુભાવો હતા.
માત્ર સત્તર વર્ષની વયે શ્રી અરવિંદભાઈએ પોતાના પિતાના એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વ્યવસાયમાં ઝૂકાવ્યું. અઠ્ઠાવીસ વર્ષે તો તેઓ મિલોમાં શાઈનીંગમાં વપરાતા “સેગો ફ્લોર' માટે સિંગાપોર અને બટાવિયાના વિદેશ પ્રવાસે ગયા. આ સમયે તેઓએ સળંગ પોણા બે મહિના વિદેશમાં રહીને પોતાના વ્યવસાય અંગે કામગીરી બજાવી. અમદાવાદની ચાલીસ જેટલી મિલો એમની પાસેથી સેગો ફ્લોર' લેતી હતી. તેત્રીસ વર્ષની વય સુધી શ્રી અરવિંદભાઈએ સેગો ફ્લોરનો વ્યવસાય કર્યો, ત્યારબાદ શ્રી મથુરદાસ વસનજી ખીમજીની ઈન્ડિયન ગ્લોબ ઈસ્યુરન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે સફળ કામગીરી બજાવી. આ કંપની પાસે અંબિકા એરલાઈન્સની એજન્સી હતી અને એના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને એ સમયના અન્ય અગ્રગણ્ય રાષ્ટ્રવાદી નેતાઓને આઝાદીની ચળવળમાં વિમાની સેવા પૂરી પાડી હતી. ૧૯૫૨માં શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ અતુલ કંપની સ્થાપી અને તેની ગુજરાત રાજ્યની સોલ સેલિંગ એજન્સી શ્રી અરવિંદભાઈની કંપનીને આપી હતી. ૧૯૭૧માં શ્રી અરવિંદભાઈ પર પેરાલિસિસનો હુમલો થતાં તેઓએ વેપાર-ધંધામાંથી નિવૃત્તિ લીધી અને સઘળું ધ્યાન ધર્મકાર્યોમાં કેન્દ્રિત કર્યું.
તીર્થોના વહીવટના અનુભવમાં શ્રી અરવિંદભાઈને ગુજરાતના મહાન પ્રતિભાશાળી શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યું. ધર્મસંસ્થાનો વહીવટ કેવી રીતે કરવો, એમાં આવતા પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા અને તીર્થોના જિર્ણોદ્ધાર અંગે કઈ રીતે આયોજન કરવું – એ બધી બાબતોનો