Book Title: Ratnatrayina Ajwala Author(s): Kumarpal Desai Publisher: Anukampa Trust Prakashan View full book textPage 6
________________ મહાજન-પરંપરાના યશસ્વી ધારક શ્રી અરવિંદભાઈ પનાલાલ સમગ્ર દેશમાં ગુજરાતની મહાજન પરંપરા વિરલ ગણાય છે અને એ પરંપરામાં ગુજરાતના શ્રેષ્ઠિઓએ પોતાની પ્રતિભા અને પ્રમાણિકતાથી આગવું પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદભાઈ પનાલાલ આવી ઉત્તમ અને ઉમદા પરંપરાના યોગ્ય ધારક છે અને તેમનાં દ્વારા અનેકવિધ ધર્મકાર્યો થયાં છે. ૧૯૧૮ની છઠ્ઠી ઓગસ્ટે ગુજરાતના ગૌરવશાળી કુટુંબમાં શ્રી અરવિંદભાઈનો જન્મ થયો. શેઠ હઠીસિંહ કેસરીસિંહ અને હરકુંવર શેઠાણીના જેવી સમર્થ વ્યક્તિઓના એ પ્રપૌત્ર થાય. શ્રેષ્ઠિવર્ય હઠીસિંહ કેસરીસિંહે અમદાવાદમાં હઠીભાઈની વાડી તેમજ અન્ય પાંચ જિનાલયોનું નિર્માણ કર્યું, એ પછી એમના પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની નારીની બાહોશી, કાર્યદક્ષતા અને તેજસ્વિતાનો પરિચય આપ્યો. આ હરકુંવર શેઠાણીએ અમદાવાદના ઉત્કૃષ્ટ જિનાલય હઠીભાઈની વાડીના અનુપમ અને કલામય જૈન દેરાસરનું નિર્માણકાર્ય પૂર્ણ કર્યું. જેમની પૂજાઓ આજે પણ સમગ્ર સમાજના કંઠે વસે છે તેવા પૂ. શ્રી વીરવિજયજી મહારાજની નિશ્રામાં હરકુંવર શેઠાણીએ અમદાવાદથી શ્રી સમેતશિખર મહાતીર્થનો છ'રી પાળતો સંઘ કાઢીને નૂતન ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત તેઓએ અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો હતો. એમણે વિદ્યા ક્ષેત્રે અમદાવાદમાં પ્રથમ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવામાં અને માનવસેવાના ક્ષેત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન કર્યું. એમની આવી યશસ્વી અને બહુવિધ સેવાઓ જોઈને રાણી વિક્ટોરિયાએ “નેક નામદાર સખાવતે બહાદુર'નો ખિતાબ અને મેડલ આપ્યો હતો. શ્રી અરવિંદભાઈના પિતા શ્રી પનાલાલ ઉમાભાઈ શેઠ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. તેઓ એવું કડકડાટ સંસ્કૃત બોલી શકતા હતા કે એમની સંસ્કૃત વાણી સાંભળીને સહુ કોઈ આનંદ વિભોર બની જતા હતા. શ્રી શત્રુંજય તીર્થના આગમ મંદિરની તથા નવરંગપુરા જૈન દેરાસરની શિલાસ્થાપનવિધિ એમના શુભહસ્તે થઈ હતી. તેઓ શ્રી જીવદયા મંડળી (મુંબઈ)ના અમદાવાદના સ્થાપક પ્રમુખ બન્યા હતા. એમની જીવંદયા, અનુકંપા અને જ્ઞાનપ્રસારની ભાવના શ્રી અરવિંદભાઈને વારસામાં મળી. -Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 284