________________
૩૮ • જૈન ધર્મ અને દર્શન
દૃષ્ટિબિન્દુઓ ૧. સંસ્કૃતિભેદ
ઉપર જે થોડીક ઘટનાઓ નમૂનારૂપે આપી છે તે આર્યાવર્તની સંસ્કૃતિના બે પ્રસિદ્ધ અવતારી પુરુષોનાં જીવનમાંની છે. તેમાંથી એક તો જૈન સંપ્રદાયના પ્રાણરૂપ દીર્ઘતપસ્વી મહાવીર અને બીજા વૈદિક સંપ્રદાયના તેજોરૂપ યોગીશ્વર કૃષ્ણ છે. એ ઘટનાઓ વાસ્તવિક બની હોય કે અર્ધકલ્પિત હોય કે તદ્દન કલ્પિત હોય એ વિચાર થોડી વાર બાજુએ મૂકી અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉક્ત બંને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક જેવું હોવા છતાં તેના આત્મામાં જે અત્યંત ભેદ દેખાય છે તે કયા તત્ત્વ, કયા સિદ્ધાંત અને કયા દષ્ટિબિન્દુને આભારી છે ? ઉક્ત ઘટનાઓને સહેજ પણ ધ્યાનપૂર્વક તપાસનાર વાચકના મનમાં એ છાપ તો તરત પડશે કે એક પ્રકારની ઘટનાઓમાં તપ, સહિષ્ણુતા અને અહિંસા ધર્મ તરવરે છે; જ્યારે બીજા પ્રકારની ઘટનાઓમાં શત્રુશાસન, યુદ્ધકૌશલ અને દુષ્ટદમનકર્મનું કૌશલ તરવરે છે. આ ભેદ જૈન અને વૈદિક સંસ્કૃતિના મૌલિક તત્ત્વભેદને આભારી છે. જૈન સંસ્કૃતિનું મૂળ તત્ત્વ કે મૂળ સિદ્ધાંત અહિંસા છે. અહિંસાને સંપૂર્ણપણે સાધનાર અથવા તો તેની પરકાષ્ઠાએ પહોંચનાર જે હોય તે જ તે સંસ્કૃતિમાં અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે,
જ્યારે વૈદિક સંસ્કૃતિમાં એમ નથી. તેમાં જે લોકસંગ્રહ પૂર્ણપણે કરે, સામાજિક નિયમન રાખવા માટે સ્વમાન્ય સામાજિક નિયમોને અનુસરે, શિષ્ટનું પાલન અને દુષ્ટનું દમન ગમે તે ભોગે કરે તે જ અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે. તત્ત્વનો આ ભેદ નાનોસૂનો નથી, કારણ કે એકમાં ગમે તેવા ઉશ્કેરણીના અને હિંસાના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં પૂર્ણ અહિંસક રહેવાનું હોય છે, જ્યારે બીજીમાં અંતઃકરણવૃત્તિ તટસ્થ અને સમ હોવા છતાં વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં જાન ઉપર ખેલી અન્યાયકર્તાને પ્રાણદડ સુધ્ધાં આપી હિંસા દ્વારા પણ અન્યાયનો પ્રતિકાર કરવાનો હોય છે. જ્યારે આ બંને સંસ્કૃતિના પ્રતિનિધિ મનાતા અવતારી પુરુષોનાં જીવનની ઘટના એ તત્ત્વભેદ પ્રમાણે યોજાય તે જેમ સ્વાભાવિક છે તેમ માનસશાસ્ત્રની દૃષ્ટિએ પણ યોગ્ય છે. આમ હોવાથી આપણે એક જ જાતની ઘટનાઓ ઉક્ત બંને પુરુષોનાં જીવનમાં ભિન્નભિન્ન સ્વરૂપમાં યોજાયેલી વાંચીએ છીએ.
અધર્મ કે અન્યાયનો પ્રતિકાર અને ધર્મ કે ન્યાયની પ્રતિષ્ઠા એ તો કોઈપણ મહાન પુરુષનું લક્ષણ હોય જ છે; એના સિવાય કોઈ મહાન તરીકે પૂજા પણ પામી શકે નહિ, છતાં એની રીતમાં ફેર હોય છે. એક પુરુષ ગમે તે અને ગમે તેવા અધર્મ કે અન્યાયને પૂર્ણ બળથી બુદ્ધિપૂર્વક તેમજ ઉદારતાપૂર્વક સહન કરી તે અધર્મ કે અન્યાય કરનાર વ્યક્તિનું અંતઃકરણ પોતાના તપ દ્વારા બદલી તેના અંતઃકરણમાં ધર્મ અને વાયનું રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરે છે; જ્યારે બીજો પુરુષ, વ્યક્તિગત રીતે ધર્મસ્થાપનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org