________________
૬. ભગવાન મહાવીરનો મંગળ વારસો
આજનો દિવસ સાંવત્સરિક પર્વનો છે. તે જૈનોની દૃષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મંગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસંગોએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તો આપણે એવા લોકો મળ્યા છીએ, જેઓ મોટે ભાગે એકબીજાને પિછાનતા પણ ન હોય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કોઈ માંગલિક વસ્તુ – જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ.
સામાન્ય રીતે આપણને જે વા૨સાઓ મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલોથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધર્મનો વારસો તે પહેલો પ્રકાર અને માબાપ કે અન્ય તરફ્થી જન્મ પહેલાં અગર જન્મ બાદ સંપત્તિ વારસામાં મળે છે તે બીજો પ્રકાર. પહેલા અને બીજા પ્રકાર વચ્ચે મોટો ભેદ છે, કેમકે શારીરિક વારસો સંતતિને અવયંભાવી છે, જ્યારે સંપત્તિ વિશે એમ નથી. ઘણી વાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય છતાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલો તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષકો અને મિત્રો પાસેથી પણ મળે, તેમજ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજો સંસ્કારનો વારસો કંઈ એક જ જાતનો નથી હોતો. ભાષાને લગતા અને બીજી અનેકવિધ કથાને લગતા એમ ઘણી જાતના સંસ્કારો પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમજ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વા૨સાઓ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસાઓમાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વારસો એ કોઈ જુદો જ છે; અને તેથી જ તે વારસો મંગળરૂપ છે. આ માંગલિક વારસો ન હોય તો ઉપરના ત્રણેય વા૨સાઓ સાધારણ જીવન જીવવામાં સાધક થાય, ઉપયોગી બને, પણ તેથી જીવન કોઈ ઉચ્ચ પ્રકારનું – ધન્ય ન બને. એ જ આ ચોથા વા૨સાની વિશિષ્ટતા છે. જે માંગલિક વારસો મહાવીરે આપ્યો કે સોંપ્યો એમ હું કહું છું તેવો વારસો આપણને માબાપથી કે અન્ય વડીલોથી કે સામાન્ય સમાજમાંથી મળે જ એવો નિયમ નથી અને છતાંય તે કોઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ.
•
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org