________________
ર૭. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય?
ન તીર્થોની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એનો પ્રાણ કે આત્મા પણ એ જ છે. જૈન તીથમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ચડિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવનો અને મહેલો હિંદુસ્તાનમાં અને દુનિયાના બીજા ભાગોમાં કાંઈ ઓછાં નથી, તેમજ જૈન મંદિરોમાં અને જૈન ભંડારોમાં હોય તે કરતાં લાખો અને કરોડો ગણું ધન કોઈ એકાદ જગ્યાએ જ આજે મોજૂદ છે; છતાં કોઈ પણ જૈન એ ખજાનાઓ અને એ મહેલોમાં તીર્થબુદ્ધિ નથી ધરાવતો, ધર્મબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતો. એનું કારણ શું છે? આ પ્રશ્નનો ઉત્તર દરેકને માટે સહેલો છે, અને તે એ કે એ મહેલો અને ભંડારોની વિભૂતિ કાંઈ તીર્થ નથી. તીર્થનો આત્મા તો તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનમાં છે. જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણો ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિરો કે તેની કારીગરી એ તો માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલંકારો છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હોય છે અને ઘરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હોય ત્યાં લગી જ, શરીરને શોભાવે છે. પ્રાણ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હોય છતાં, નથી શોભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્માણ શરીર ઉપર અલંકારો લાદવા એ તો એ શરીરની તેમજ એને લાગનારની માત્ર મશ્કરી છે.
જૈન તીર્થોમાં આત્મા, શરીર અને આભૂષણ એ ત્રણે મોજૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હોય અને આત્મા સબળ હોય તો એ ઊણપ જરા પણ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હોય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષણો છતાં એ બધું ફીકું લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનનો આત્મા તીર્થોમાં કેમ નથી રહ્યો ? અથવા તો કેમ દબાઈ અને કચરાઈ ગયો છે ? એ પ્રશ્ન વિચારવા જેવો છે. જેમ જેમ ઊંડો વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણો સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને દબાવાનાં અને કચરાઈ જવાનાં મુખ્ય બે કારણો છે: (૧) અતિરેક, (૨) મમત્વ અને ક્લેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org