________________
૨૩૮ • જૈન ધર્મ અને દર્શન માટે ગોરક્ષા અને પાંજરાપોળને લગતી સેંકડો બાબતો અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લોકોને નિર્દોષ ચામડાં પૂરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વગેરેથી ખેતીવાડીને મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમજ પશુવર્ધનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી શકાય તેમ છે; અને જીવનનિર્વાહ માટે સમાજને કે બીજાને બોજરૂપ થયા સિવાય તેમજ ગુલામી કર્યા સિવાય એક નવી દિશા ઉઘાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કોઈપણ ધંધા કરતાં આજકાલની શાસ્ત્રીય દૃષ્ટિએ ગોરક્ષા અને પાંજરાપોળની સંતોષવૃત્તિથી સેવા કરવાનો ધંધો જરાય ઊતરતો નથી. આ દિશામાં સેંકડો ગ્રેજ્યુએટો કે પંડિતોને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણનું કાર્ય, અને બીજાં તેવાં ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યો કરતાં આ કામ ઊલટું ચડે તેવું છે, કારણ કે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરોપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસીઓનો મોટો વર્ગ છે. તે લોકોને અનેક રીતે જ્ઞાન આપે છે અને પશુપાલનના નવા નવા માર્ગ શોધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યું જ જાય છે.
આપણે જે ફંડો કરી પશુપંખીઓને બચાવીએ છીએ તે માર્ગ બંધ કરવાની જરૂર તો નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાનો કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાનો ઉપાય આજે આજકાલની પરિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તો કોઈપણ રાજાની મદદ ન છતાં અને કોઈની પાસેથી ફરમાનો ન મેળવ્યા છતાં આજના વિદ્વાન સાધુઓ હેમચંદ્ર અને હીરવિજયના આદર્શને આ યુગમાં નજીક આણી શકે. મહાન પયગંબર
૨૫૦૦ વર્ષ પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ, પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચ્યો છે, ત્યાં ત્યાં બધે જ પોતાની જિંદગીમાં એક જ સાથે અહિંસાનો સંદેશો પહોંચાડનાર અને પોતાની અહિંસાવૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કોણ છે? એ પ્રશ્નનો ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હોય એમ તમે કહેશો ખરા? આનું કારણ શું? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી ઓઘો, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રૂસ. તેમ છતાં તે અહિંસાનો મંત્રદૃષ્ટા કેમ કહેવાય છે? એનાં કારણો તરફ અમારિધર્મના પ્રેમીઓએ નજર દોડાવવી જોઈએ; કારણ એ છે કે એ પોતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતો, પણ એનો પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાનો છે. એ વિશ્વદયા કે છકાયની સંપૂર્ણ દયામાં માનવા છતાં તેને પાળવાનો કૃત્રિમ દાવો નથી કરતો. એણે તો અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org