________________
૫૦ • જૈન ધર્મ અને દર્શન સાહિત્યમાં તદ્દન જુદું જ સ્થાન આપ્યું છે. તેથી આપણે જૈન ગ્રંથોમાં પુરાણની પેઠે નથી જોતાં કંસને હાથે કોઈ બાળકનો પ્રાણનાશ કે નથી જોતાં કષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓનો પ્રાણનાશ, આપણે માત્ર જૈન ગ્રંથોમાં કૃષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓને, પૃથ્વીરાજે શાહબુદ્દીનને જતો કર્યો તેમ, જીવતાં છોડી મૂકવાની વાત વાંચીએ છીએ; એટલું જ નહિ, પણ કૃષ્ણ સિવાયનાં લગભગ બધાં પાત્રોએ જેનદીક્ષા સ્વીકાર્યાનું વર્ણન વાંચીએ છીએ. અલબત્ત, અહીં એક પ્રશ્ન થઈ શકે અને તે એ કે મૂળમાં જ વસુદેવ, કૃષ્ણ આદિની કથા જૈન ગ્રંથોમાં હોય અને પછી તે બ્રાહ્મણપુરાણોમાં જુદા રૂપમાં કેમ ઢળાઈ ન હોય ?
પરંતુ જૈન આગમો અને બીજા કથાગ્રંથોમાં જે કૃષ્ણ, પાંડવ આદિનું વર્ણન છે તેનું સ્વરૂપ, શૈલી આદિ જોતાં એ તર્કને અવકાશ રહેતો નથી. તેથી વિચારતાં ચોખ્ખું લાગે છે કે જ્યારે પ્રજામાં કૃષ્ણની પૂજા–પ્રતિષ્ઠા થઈ અને તેને લગતું સાહિત્ય ખૂબ રચાયું તેમજ લોકપ્રિય થતું ગયું ત્યારે સમયસૂચક જૈન લેખકોએ પણ રામચંદ્રની પેઠે કૃષ્ણને પણ અપનાવ્યા અને પુરાણગત કૃષ્ણવર્ણનના જૈન દૃષ્ટિએ દેખાતા હિંસાના વિષને ઉતારી તેનો જૈન સંસ્કૃતિ પ્રમાણે મેળ બેસાડ્યો અને તેમાં અહિંસાની દૃષ્ટિએ લખાતા કથાસાહિત્યનો વિકાસ સાધ્યો.
- જ્યારે કૃષ્ણજીવનના તોફાની અને શૃંગારી પ્રસંગો પ્રજામાં લોકપ્રિય થતા ગયા ત્યારે એ જ પ્રસંગો એક બાજુએ જૈન સાહિત્યમાં પરિવર્તન સાથે સ્થાન પામતા ગયા અને બીજી બાજુ તે પરાક્રમપ્રધાન અદ્ભુત પ્રસંગોની મહાવીરજીવનવર્ણન ઉપર અસર થતી ગઈ હોય એવો વિશેષ સંભવ છે. અને તેથી જ, આપણે જોઈએ છીએ કે, પુરાણોમાં કૃષ્ણના જન્મ, બાળક્રીડા અને યૌવનવિહાર આદિ પ્રસંગે માનુષી કે અમાનુષી અસુરોએ કરેલા ઉપદ્રવો અને ઉત્પાતોનું જે અસ્વાભાવિક છતાં માત્ર મનોરંજક, જે વર્ણન છે તે જ અસ્વાભાવિક છતાં લોકમાનસમાં ઊંડે સુધી ઊતરી ગયેલ વર્ણન, અહિંસા અને ત્યાગની ભાવનાવાળા જૈન ગ્રંથકારોને હાથે યોગ્ય સંસ્કાર પામી મહાવીરના જન્મ, બાળક્રીડા અને જુવાનીની સાધનાવસ્થાને પ્રસંગે દેવકૃત વિવિધ ઘટના તરીકે સ્થાન પામે છે, અને પૌરાણિક વર્ણનની વિશેષ અસ્વાભાવિકતા તથા અસંગતિ દૂર કરવાનો જૈન ગ્રંથકારોનો પ્રયત્ન હોવા છતાં તત્કાલીન લોકમાનસ પ્રમાણે મહાવીરના જીવનમાં સ્થાન પામેલ પૌરાણિક ઘટનાઓના વર્ણનમાં એક જાતની અમુક અંશે અસ્વાભાવિકતા. અને અસંગતિ રહી જ જાય છે. ૩. કથાગ્રંથોનાં સાધનોનું પૃથક્કરણ અને તેનું ઔચિત્ય
હવે આપણે લોકોમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમજ સંપ્રદાયના પાયા મજબૂત કરવા તે વખતે મુખ્યપણે કઈ જાતના સાધનનો ઉપયોગ કથાગ્રંથોમાં કે જીવનવૃત્તાંતોમાં થતો, તેનું પૃથક્કકરણ કરવું અને તેનું ઔચિત્ય વિચારવું.” – આ ત્રીજા દૃષ્ટિબિન્દુ ઉપર આવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org