________________
ધર્મવી૨ મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૫૩ જ્યારે પોતાનાં ધૈર્ય, બળ અને ચાતુરીથી દૂર કરી પોતાનું કાર્ય પાર પાડે છે, ત્યારે આ લૌકિક સિદ્ધિ સાધારણ લોકોને દેવી અને અલૌકિક બની જાય એ સ્વાભાવિક છે. આ રીતે આપણે એ બંને મહાન પુરુષોનાં જીવનને, ઓપ દૂર કરી, વાંચીએ તો ઊલટી વધારે સહજતા અને સંગતતા દેખાય છે અને તેમનું વ્યક્તિત્ત્વ વધારે માનનીય ખાસ કરી આ યુગમાં બને છે.
ઉપસંહાર
-
કર્મવી૨ કૃષ્ણના સંપ્રદાયના ભક્તોને ધર્મવીર મહાવીરના આદર્શની ખૂબીઓ ગમે તેટલી દલીલોથી સમજાવવામાં આવે તોપણ તેઓને તે પૂરેપૂરી ભાગ્યે જ સમજાય. એ જ રીતે ધર્મવી૨ મહાવીરના સંપ્રદાયના અનુયાયીઓ કર્મવી૨ કૃષ્ણના જીવનના આદર્શની ખૂબીઓ બરાબર સમજે એવો પણ ભાગ્યે જ સંભવ છે. આ પ્રમાણે સામ્પ્રદાયિક માનસ અત્યારે ઘડાયેલું જોઈએ છીએ ત્યારે અહીં જોવું એ પ્રાપ્ત થાય છે કે શું વસ્તુતઃ ધર્મ અને કર્મના આદર્શ વચ્ચે એવો કોઈ વિરોધ છે જેથી એક આદર્શના અનુયાયીઓને બીજો આદર્શ તદ્દન અગ્રાહ્ય લાગે ?
વિચાર કરતાં દેખાય છે કે શુદ્ધ ધર્મ અને શુદ્ધ કર્મ એ બંને એક જ આચરણગત સત્યની જુદી જુદી બાજુઓ છે. એમાં ભેદ છે, પણ વિરોધ નથી.
દુન્યવી પ્રવૃત્તિ છોડવા સાથે ભોગવાસનામાંથી ચિત્તની નિવૃત્તિ સિદ્ધ કરી પછી એ નિવૃત્તિ દ્વારા જ લોકકલ્યાણ માટે પ્રયત્ન કરવો, એટલે કે જીવનધારણ માટે જરૂરી પણ લૌકિક એવી પ્રવૃત્તિઓની વ્યવસ્થાનો ભાર લોકો ઉપર જ છોડી દઈ માત્ર એ પ્રવૃત્તિમાંના ક્લેશકંકાસકારી અસંયમરૂપ વિષને જ નિવારવા લોકો સામે પોતાના સમગ્ર જીવન દ્વારા પદાર્થપાઠ રજૂ કરવો તે શુદ્ધ ધર્મ.
અને દુન્યવી બધી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તેમાં નિષ્કામપણું કે નિર્લેપપણું કેળવી, તેવી પ્રવૃત્તિના સામંજસ્ય દ્વારા લોકોને યોગ્ય રસ્તે દોરવા પ્રયત્ન કરવો, એટલે કે જીવન માટે અતિ આવશ્યક પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે આવતી અથડામણીઓ નિવારવા લોકો સામે પોતાના સમગ્ર જીવન દ્વારા લૌકિક પ્રવૃત્તિઓનો પણ નિર્વિષપણે પદાર્થપાઠ ૨જૂ ક૨વો તે શુદ્ધ કર્મ.
અહીં એક સત્ય તે લોકકલ્યાણની વૃત્તિ છે. તેને સિદ્ધ કરવાના બે માર્ગો તે ઉક્ત એક જ સત્યની ધર્મ અને કર્મરૂપ બે બાજુઓ છે. સાચા ધર્મમાં માત્ર નિવૃત્તિ નથી હોતી, પરંતુ એમાં પ્રવૃત્તિ પણ હોય છે. બંનેમાં બંને તત્ત્વો છતાં ગૌણમુખ્યપણાનું તેમજ પ્રકૃતિભેદનું અંતર છે. તેથી એ બંને રીતે સ્વ તથા પરકલ્યાણરૂપ અખંડ સત્ય સાધવું શક્ય છે. આમ હોવા છતાં ધર્મ અને કર્મના નામે જુદા જુદા વિરોધી સંપ્રદાયો કેમ સ્થપાયા એ એક કોયડો છે; પણ આ સામ્પ્રદાયિક માનસનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એ કેવળ દેખાતો કોયડો આપોઆપ ઉકેલાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org