________________
૧૨
ધર્મતીર્થનો મહિમા રાખે છે. જ્યાં કશું રહસ્ય ન સમજાય, માનવશક્તિ કે સમજની બહારની વાત હોય, ત્યાં બધે સર્જક તરીકે ઈશ્વરને ગોઠવી દીધો. પામર જન માટે અશક્ય કાર્ય દેખાય, તો કહ્યું કે આવા કાર્ય મહાન શક્તિવાળી વ્યક્તિ જ કરી શકે, અને મહાન શક્તિવાળો આ દુનિયામાં પરમેશ્વર જ છે. વરસાદ ભગવાને વરસાવ્યો, વાદળાં ઈશ્વરે બનાવ્યાં; એમ બધે જ્યાં માનવશક્તિની મર્યાદાની બહારની વાત નીકળે, ત્યાં ભગવાનને ગોઠવી દીધા.
હવે ઘણા કહે છે કે, આવી સાંસારિક વાતોમાં ભલે ઈશ્વર માથું ન મારે, પણ દુનિયામાં ધર્મની સ્થાપના, પ્રવર્તન, સંચાલન તો ઈશ્વર જ કરે છે. જૈનદર્શનમાં ઈશ્વરતત્ત્વની નિર્વિકારિતા :
અહીં તમને લાગે કે સારાં કામ ભગવાન કરે તો શું વાંધો ? હા, ખોટાં કામ કરે તે ઈશ્વર ન હોઈ શકે, પણ સારાં કામ કરે તેને ઈશ્વર માનવામાં શું વાંધો ? તો જૈનધર્મ કહે છે કે, ઈશ્વર સત્કાર્ય કે શુભ કામના કરે તો પણ ઈશ્વરમાં અધૂરાપણું આવે છે. ધર્મતીર્થની સ્થાપનારૂપ જગતના ઉદ્ધારની શ્રેષ્ઠ સત્યવૃત્તિ છે, પરંતુ તે પ્રવૃત્તિ કરવા મહાસાધક અરિહંતોને પણ કર્મના વિપાકરૂપ વિકારની આવશ્યકતા રહે છે. તેથી જ પૂર્ણ પરમેશ્વર સિદ્ધો તીર્થપ્રવર્તનરૂપ સત્કાર્ય પણ કરતા નથી. હા, અરિહંતો પણ તે પ્રવૃત્તિ કામનાથી નથી કરતા; કારણ કે વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી હવે તેમને કોઈ વસ્તુની અપેક્ષા કે ઇચ્છા નથી. સાધના દ્વારા જે મેળવવાનું હતું તે મેળવી લીધું છે, એ અપેક્ષાએ કૃતકૃત્ય કહેવાય. તેમને તીર્થપ્રવર્તન દ્વારા અંગત કોઈ લાભ નથી, તેના માટે તે પ્રવૃત્તિ કરતા નથી. તેથી કૃતકૃત્ય તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે એ વખતે, તેમનામાં આ મારું શાસન ઝળહળતું રહે, કાયમ માટે પ્રવર્તતું રહે, તેના અનેક ઉપાસક બને, તેનાથી અનેક આત્મા તરે, બધાને આ શાસન દ્વારા હું તારનારો થાઉં, એવી અંતરમાં કોઈ અભિલાષા નથી. તમે વીતરાગતાનું સ્વરૂપ સમજી શકો તો ખ્યાલ આવે. સાધક એવા ભગવાન જન્મ્યા ત્યારથી ગૃહસ્થ અવસ્થામાં ભોગ ભોગવે છે ત્યારે પણ તેમના મનમાં શુભ કામના છે પણ આસક્તિ નથી, રાજ્યાવસ્થામાં પણ અશુભ કામનાશૂન્ય નિષ્કામ કર્મયોગી છે, દીક્ષા લીધા પછી સર્વ કામનાશૂન્ય અસંગ સાધક છે, કેવલજ્ઞાનકાળમાં કૃતકૃત્ય બનીને ધર્મતીર્થના પ્રવર્તક છે અને સિદ્ધ થાય એટલે પૂર્ણ નિર્વિકારી પરમેશ્વર છે. આ બધું જેને ઓળખાય તેને જૈન ધર્મના નિર્વિકારી ઈશ્વરતત્ત્વની ઝાંખી થાય. તેને ખ્યાલ આવે કે દુનિયામાં પરમેશ્વર આવા જ હોય અને તે સિવાય બીજાને ઈશ્વર માનવામાં ઈશ્વરતત્ત્વમાં ત્રુટિ આવવાનો પ્રશ્ન છે, ઈશ્વરનું વ્યક્તિત્વ ખંડિત થઈ જાય છે. આટલું બેસી જાય તો, ભગવાન શાસન સ્થાપે છે તે આપણા ઉપકાર માટે સ્થાપે છે, પોતાના કલ્યાણ માટે સ્થાપતા નથી, તેમને આ શાસન સ્થાપવાથી કાંઈ મેળવવાનું નથી, તીર્થકરો તો આત્મબળથી જ તરે છે. તીર્થકરોને ધર્મતીર્થની બહાર રાખ્યા છે. અરે! ચતુર્વિધ સંઘમાં પણ તીર્થંકરનો સમાવેશ થતો નથી. તેનો અર્થ એવો નહીં કરતા કે તેઓ ચતુર્વિધ સંઘથી ન્યૂન છે. ઊલટું સંઘના સ્થાપક છે, તીર્થના પણ પ્રવર્તક છે, પરંતુ તીર્થકર ધર્મતીર્થની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org