Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 382
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૫ બોધિબીજ પામ્યા. બોધિરૂપ સમક્તિને ન પામેલા હોવાથી શ્રીસંઘમાં તેમનો સીધો પ્રવેશ થયો નથી, પરંતુ શ્રીસંઘરૂપ ગચ્છ આદિના બહુમાનથી જૈનેતરને પણ બોધિબીજ પ્રાપ્ત થાય તેનું આ દૃષ્ટાંત છે. આ આત્મા આગળ જતાં ઋષભદેવ તીર્થકર થયા, તેનું પ્રારંભબિંદુ અહીં નંખાયું. ગુણો પ્રત્યે સુંદર બહુમાન પ્રગટ્યું, મનમાં થયું કે મહાત્માઓનો પરિચય કરવા જેવો છે. પછી રોજ મહાત્માઓ પાસે સાંજે જાય, ઉપદેશ સાંભળે, તેમ કરતાં સાર્થના છેલ્લા પ્રયાણ સુધી ઉત્તમ પરિચય દ્વારા બોધિબીજ દઢ કર્યું. સભા : બોધિબીજ ક્યારે પડ્યું ? સાહેબજી ઃ ઘી વહોરાવ્યું ત્યારે બોધિબીજ પડ્યું. પણ આચાર્ય ભગવંત પાસે આવ્યા ત્યારથી પૂર્વતૈયારી તો આત્મામાં ચાલુ જ છે. અપુનબંધકપણાની લાયકાતવાળો જીવ છે. શુભ નિમિત્તની જરૂર હતી, તે મળી ગયું. સંઘરૂપ મહાત્માઓના ગુણવૈભવ પ્રત્યે સાચો રાગ જન્મ્યો, તેથી ગર્ભિત રીતે વૈરાગ્ય પણ અંશથી પ્રગટ્યો છે. ગુણ ગમ્યા તેને દોષ ન ગમે. દોષ પ્રત્યે અણગમાનો ભાવ આવે તો જ ગુણ પ્રત્યે બહુમાનનો ભાવ જાગે. દોષો વિષય-કષાયજન્ય છે. વિષય-કષાયસારા લાગે અને ગુણનું બહુમાન પ્રગટે તે બને જ નહીં. તમારા માટે મોટી ગેરસમજ અહીં જ છે. તમે કહેશો કે વિષય-કષાય પણ ગમે છે અને ગુણ પણ ગમે છે. આ પોકળ દાવો છે, જે મંજૂર ન કરાય. આત્માને દોષ ખરાબ ન લાગે અને ગુણ ગમે તે ત્રણ કાળમાં ન બને. ધના સાર્થવાહ જેવા લાયક જૈનેતર આદિને પણ શ્રીસંઘના ઘટકરૂપ ગચ્છ, કુલ, ગણ કે સૌના સમૂહરૂપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનિર્મિત શ્રીસંઘનાં દર્શન થાય, પરિચય થાય, ગુણને ઓળખવાની લાયકાત હોય, જાણ્યા પછી કદર કરવાની મનોવૃત્તિ હોય, તો બહુમાન-પ્રશંસારૂપે બીજ પડ્યા વિના ન રહે. તેથી ગુણિયલ જીવોના સમૂહરૂપ શ્રીસંઘ જ્યાં જાય ત્યાં અનેકના હૃદયમાં ધર્મનું બીજ વાવતો જાય. આજ્ઞાસાપેક્ષ સંઘમાં બીજા જીવો પર ધર્મનો પ્રભાવ પાડવાની અનેરી શક્તિ છે. વળી કોઈના હૃદયમાં ધર્મનો પ્રભાવ પડ્યો એટલે તે જીવ સાચો ધર્મ જન્મ-જન્માંતરમાં પણ અવશ્ય પામશે, બાકી પ્રચારનાં મોટાં ભૂંગળાં વગાડો તો પણ માહિતી માત્રથી ધર્મ ન પામે. શાસ્ત્રમાં ધર્મપ્રભાવના શબ્દ રાખ્યો છે, પ્રચાર શબ્દ નહીં. પ્રભાવના શબ્દમાં શુદ્ધધર્મની પ્રાપ્તિનો મર્મ સમાયેલો છે. મહાત્માઓએ જીવંત આચાર પાળીને ધના સાર્થવાહના હૃદય પર જૈનશાસનનો પ્રભાવ પાડ્યો છે. સભા લોકોને આકર્ષણ પેદા કરવા જાહેરાતો કરવી પડે ને ? સાહેબજી ઃ ગુણમય વ્યક્તિત્વ સાથે સંપર્ક કરાવવા નિમિત્તો ઊભાં કરવામાં વાંધો નથી. તે માટે પણ જૈનશાસનમાં ગુણિયલ જીવોનો પ્રભાવ વધે તેવા દેવતાકૃત અતિશયો અને ઉપાસક મનુષ્યો દ્વારા સામૈયાં, ભવ્ય યાત્રા મહોત્સવો આદિ ખૂબીપૂર્વક ગોઠવ્યાં છે, જેમાં જીવંત ગુણમય આચરણવાળા મહાત્માઓના પરિચયથી હૃદયસ્થળમાં લાયક જીવોને બહુમાન પ્રગટે. ધર્મના જીવંત આચરણ વિના માત્ર પ્રચાર-પ્રસારથી કોઈ સાચો ધર્મ પામે તેવી શક્યતા નહિવત્ છે. તેથી જ શાસ્ત્રોમાં શાસનપ્રભાવનાના હજારો ઉપાયો બતાવ્યા છે, અને તે કરવાથી સાચા જૈનશાસનનો જયજયકાર થાય. આજે શાસનપ્રભાવનાનું કાર્ય ગમતું નથી, ઊલટું તે ખોટા ખર્ચા લાગે છે. બીજી બાજુ અજૈનોને પણ જૈન બનાવી સંખ્યાબળ વધારીએ તેવી હોંશ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396