________________
૩૩૮
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જિનાજ્ઞાનો વિચાર કરનાર છે.
સભા : ઘણા લોકો સંઘ સાથે રહેતા હોય તો અમે પણ શ્રીસંઘ સાથે રહેવા તૈયાર થઈએ.
સાહેબજી : અર્થાત્ વાડ પર જ બેઠા હો, જે બાજુ સમૂહબળ જુઓ તે બાજુ કૂદકો મારો. આવા પાટલીબદલુ-ઢોચકી જેવાથી સંઘ ન ચાલે. સત્ય લાગે તેને સમર્થન આપો અને ન સમજાય તો મૌન રહો, પણ ટોળાશાહીમાં ન રાચો.
પૂ. કાલિકાચાર્યનું દૃષ્ટાંત (ચાલુ)
હવે ગર્દભિલ્લ રાજાના પ્રસંગમાં કાલિકાચાર્યને શ્રીસંઘે કહ્યું કે રક્ષા માટે આપ કહો તે કરવા અમે તૈયાર છીએ. પણ બળની દૃષ્ટિએ રાજાને નાથવા સંઘનું સામર્થ્ય ન જણાવાથી આચાર્ય મહારાજે શ્રીસંઘને કોઈ આજ્ઞા કરી નહીં. આવા ધુરંધર ગીતાર્થ બળાબળનો વિચાર કર્યા વિના સંઘનાશનું કારણ એવી અહિતકારી આજ્ઞા કદી કરે નહીં. તેથી વિચાર્યું કે “શક્તિસંપન્ન એવા મારે જ હવે શાસનરક્ષા અર્થે અપવાદનો આશ્રય લઈને કાંઈક કરવું પડશે. આવા પ્રસંગે જીવનમાં સર્વત્યાગ આચરનારા ધર્મગુરુને પણ રાજસત્તાને સજા કરવાનો અધિકાર છે, એમ શાસ્ત્ર કહે છે. પરંતુ આ કાર્ય ઘણું દુષ્કર છે. અનેક પ્રકારનાં અવસરોચિત પગલાં ભરી અંતે આ રાજાને કઠોર દંડ કરવાનો છે. આ રાજાને સીધી રીતે બળમાં પહોંચી નહીં શકાય, સત્તાધીશ છે, વિદ્યાશક્તિથી પણ સમર્થ છે, અને મર્યાદા મૂકી નાગો થયો છે. આવાને પહોંચવા અતિ ગૂઢ રીતે બળસંચય કરીને પગલું ભરવું પડે. આવા ગંભીર કાર્યમાં આચાર્યને ઊંડા અપવાદના જાણકાર ગીતાર્થ શ્રાવકો સહાયક તરીકે અવશ્ય જોઈએ.” તેથી સંઘમાંથી ગીતાર્થ ચુનંદા ચાર શ્રાવકોને એકાંતમાં બોલાવ્યા. તે કાળમાં આવા પ્રાજ્ઞ શ્રાવકો પણ મળતા, અત્યારે તો મેળવવા દુર્લભ છે. આ શ્રાવકોને આચાર્ય મહારાજે પોતાનો વ્યુહ સંક્ષેપમાં કહ્યો. સમર્પિત શ્રાવકોએ તે મંજૂર કર્યો. ગચ્છના અમુક મુખ્ય ગીતાર્થોને પણ કહી દીધું છે. તે સિવાયના સાધુઓ કે શ્રાવકો અજાણ છે. ત્યારબાદ આયોજન પ્રમાણે આચાર્ય મહારાજે નાટક શરૂ કર્યું, મહામાયા આરંભી. મુખ્ય શિષ્યોએ એવો પ્રચાર કર્યો કે આચાર્ય મહારાજને પોતાની ભગિની સાધ્વીના અપહરણનો એવો આઘાત લાગ્યો છે કે તે આઘાતમાં તેઓ મગજની સમતુલા ગુમાવી બેઠા છે. વાસ્તવમાં આચાર્ય મહારાજે આબેહૂબ ગાંડપણનો ઢોંગ ચાલુ કર્યો છે. કપડાં ફાડી નાંખે, રસ્તા પર સૂઈ જાય, અસંબદ્ધ લવારો કરે, માત્ર શારીરિક શક્તિ જાળવવા અવસરે, ગાંડપણના હાવભાવ કરતાં કરતાં થોડું ખાઈ-પી લે. આ પરિસ્થિતિમાં પણ પેલા ચારે વિશ્વાસુ શ્રાવકો આચાર્ય મહારાજની સલામતી માટે પ્રાણના જોખમે ગુપ્તવેશમાં. આજુબાજુમાં જ હોય. તેમને ખબર છે કે આચાર્ય મહારાજ શાસનની મહામૂડી છે. માત્ર આવા સંકટસમયમાં તેમને આવી પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રાવચનિક કાર્યોને સમજનારા આ શ્રાવકોએ આચાર્યના દેહનું કોઈને ખબર ન પડે એવી ગુપ્તતાથી પણ જીવની જેમ જતન કર્યું. રાજાને ખબર પડે કે આચાર્ય નાટક કરે છે, અને આ વફાદાર શ્રાવકો તેમની સુરક્ષામાં છે તો સૌને શૂળીએ ચડાવી દે. વિચારો, આ શ્રાવકોના પણ સમર્પણ, ગંભીરતા આદિ ગુણો કેવા હશે ! ગર્દભિલ્લની વિરુદ્ધમાં રાજ્યબળ એકત્રિત કરવા આચાર્યને હેમખેમ દેશની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org