Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
આજે દશવૈકાલિક સૂત્ર ઉપર અભિગમ લખતાં હૃદયમાં અપૂર્વ હર્ષ થાય છે. જોકે આ મહાન શાસ્ત્ર ઉપર આલેખન કરવું સામાન્ય કાર્ય નથી. પરંતુ ગુરુકૃપાએ આ સૂત્રની એક એક ગાથાઓ આત્મસાત્ થયેલી છે. દીક્ષા પર્યાયના ઉષાકાલમાં હજારો વાર આ સૂત્રનું કંઠસ્થ પારાયણ કરવાનો અવસર મળતો હતો; સ્વાધ્યાય વાચનાદિ કરતી વખતે ભાષા ટીકાના માધ્યમે અર્થબોધ પણ સુલભ થતો હતો; કેટલીય ગાથાઓના ભાવો પ્રત્યે મન મુગ્ધ થઈ જતું હતું. જેથી આ અભિગમ લખવાનું સહજ સાહસ કર્યું
દશવૈકાલિક જૈન આગમનો સાર-સરવાળો છે. જૈન આગમો વિશાળ સમુદ્રની જેમ તરંગિત રહે છે. આ સમુદ્ર અમાપ રત્નાકર છે. વિચક્ષણ આચાર્યો તેમાં ડૂબકી મારી સારભૂત રત્નો એકત્રિત કરે છે અને એકત્ર થયેલા રત્નો પરંપરાએ જૈન આગમનું અંગ બની જાય છે.
દશવૈકાલિક સૂત્રમાં પણ આ હકીકત સ્પષ્ટ પ્રદર્શિત થઈ છે. તેના ઉદ્ભવની કથા સુપ્રસિદ્ધ છે. તેથી અહીં કથા ન આપતાં મારે એટલું જ કહેવું છે કે આ શાસ્ત્રમાં આગમના સારાંશને એકત્ર કરી તેનો સરવાળો કરવામાં આવ્યો છે. તે લગભગ સાતસો શ્લોક પ્રમાણ છે. જેમાં વ્યવસ્થિતપણે જૈન આચાર ધર્મનું ક્રમશઃ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્રનું નામ ગમે તે કારણથી દશવૈકાલિક આપવામાં આવ્યું હશે, પરંતુ ખરી રીતે આ નામ શાસ્ત્રના આંતર ભાવોને પ્રગટ કરવામાં પર્યાપ્ત છે કે કેમ, તે ચિંતનીય છે. વસ્તુતઃ જેમ ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ તેવું નામ આપી તેમાં રાજ વિદ્યાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં રાજ વિધાનો અર્થ "રાજકીય વિદ્યા એવો નથી પરંતુ સર્વ વિદ્યાઓમાં રાજા જેવી પ્રમુખ વિદ્યા", એવો અર્થ થાય છે. તેમ