Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 158 અમૃત મહોત્સવ સ્મૃતિ પ્રથા આ જ્ઞાનગૂંથણી એ ધર્મનું શિક્ષણ છે. સમજણ અને ક્રિયા ઉભયદ્વારા આ ધર્મશિક્ષણ સ્તરે સ્તરે અપાવું ઘટે છે, ભલે પછી સર્વોચ્ચ સ્તરે એ તત્ત્વજ્ઞાન બની રહે. આ ધર્મતત્ત્વ અને સેક્યુલરિઝમ વચ્ચે ઝગડો હોવો ઘટતો નથી. આવું વિશાળ ધર્મતત્ત્વ જે પોતાની વિકાસાવસ્થા દરમિયાન મનુષ્ય પામ્યો ન હોય તો માનવીય સંબંધોમાં ગૂંચવાડો અને સંઘર્ષ ઊભો થવાની ભારોભાર શક્યતા છે. સૃષ્ટિના અનંત વૈવિધ્યમાં એકતાના તંતુનો સંચાર થાય એવી વિશ્વશાન્તિની પણ જરૂરત છે. કદાચ આ જરૂરત પ્રમાણીને ઈંગ્લેન્ડના એજ્યુકેશનલ સેક્રેટરી બંને પેટને ગયા માર્ચના આરંભે જાહેર કર્યું હતું કે ધર્મ એ પ્રત્યેક શાળાનું હૃદય બની રહેવો જોઈએ. શાળાઓએ પણ પ્રત્યેક વિદ્યાર્થીને સુયોગ્ય ધર્મશિક્ષણ અપાઈ રહ્યું છે એની ખાતરી કરવી જોઈએ. ઇંગ્લેન્ડની ધર્મસંસ્થાઓના અગ્રણીઓને નિમંત્રીને ધર્મશિક્ષણ માટેનો અભ્યાસક્રમ ઘડી કાઢવા માટેની પણ ઇરછા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં ધાર્મિક શિક્ષણ બાજુએ હડસેલાઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓ જીવનના ઉંબરે પગ મૂકે ત્યારે તાત્વિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો વિશે સાવ બેખબર હોય છે અને આ કારણે ગુનાખોરી અને ગેરકાનૂની આચરણમાં સારો એવો વધારો થયો છે એમ રાજકાજના અગ્રેસરોનું માનવું છે. શ્રી પેટને કહ્યું હતું કે “જો આપણે મોટેરાં જ વર્તનના રાહ વિશે દ્વિધાગ્રસ્ત હોઈએ તો પછી ઊગતી પેઢીનો વાંક શાને આધારે કાઢી શકીએ? શું સારું છે, યોગ્ય છે, સ્વીકાર્ય છે અને શું નથી એનો વિવેક આપણે એમને ક્યારે શીખવેલો? આપણે ઉછરતી પેઢીને ઘરઆંગણે તેમજ શાળામાં વિધાયક મૂલ્યોનું શિક્ષણ પૂરું પાડવું જોઈએ આમ સમસ્ત શૈક્ષણિક પ્રક્રિયાના હાર્દમાં ધર્મ રહેલો હોવો જોઈએ.' શ્રી પેટને માબાપોને અનુરોધ કર્યો હતો કે “તેમણે રોજ ઓછામાં ઓછી પંદર મિનીટ પોતાના શાળાએ જતાં ન થયેલાં બાળકો સાથે ધર્મનું શિક્ષણ તેમને પહોંચે તે માટે ગાળવી જોઈએ. આમ તો શિક્ષણની તાત્વિક શરૂઆત ઘરઆંગણેથી જ થતી હોય છે. દૂરદર્શન, વીડીઓ અને મનોરંજનના અન્ય સાધનો કદાપિ ઉત્તમ ધર્મગ્રંથોનો વિકલ્પ બની શકવાના નથી. તેમ