Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 156 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને એ ધર્મો વ્યાપક હોય તો પ્રત્યેકના ફાંટાના અનુયાયીઓ એવાં વિદ્યાર્થી ભાઈબહેનો ભેગાં ભણતાં હોય એ એક વ્યાપક હકીકત છે. આપણે જાણીએ છીએ કે અનેક શિક્ષણ સંસ્થાઓમાં કાર્યારંભ પ્રાર્થનાથી થતો હોય છે અને મોટે ભાગે એ સર્વધર્મ પ્રાર્થના હોય છે અથવા જે ધર્મનું પ્રાધાન્ય હોય તે ધર્મની પ્રાર્થના હોય છે. પણ પ્રાર્થના એ ધર્મકાર્ય છે. ધાર્મિક શિક્ષણ નથી. ધાર્મિક શિક્ષણ જો આપવું જ હોય તો સમગ્ર શિક્ષણના ભાગરૂપ એ શિક્ષણ હોવું જોઈએ. એને અભ્યાસક્રમમાં નિશ્ચિત સ્થાન મળેલું હોવું જોઈએ. જો ધાર્મિક શિક્ષણ આપવું જ હોય એટલે કે એ આપવાની જરૂર સમાજ સ્વીકારતો હોય તો અનેક કોમો અને ધર્મની એટલે કે સંપ્રદાયની માવજત કરનારા કુટુંબોમાંથી આવતા વિદ્યાર્થીઓને એ શી રીતે આપવું જોઈએ? કોઈની પણ શ્રદ્ધાઓને ઠેસ પહોંચે એવું તો કશું આપી શકાય જ નહિ. તો આપવું કે ન આપવું? અને આપવું તો શાનું ને શી રીતે આપવું? આપવું કે ન આપવું એ પ્રશ્ન પહેલો લઈએ. હમણાં આપણે આપણી શાળાઓ-મહાશાળાઓમાં વિધિસર ધાર્મિક શિક્ષણ નથી આપતા તો પછી એનો નવેનવો અભ્યાસક્રમયુક્ત પ્રબંધ શી રીતે કરીશું? આપણા આજના વિજ્ઞાનયુગમાં જે કંઈ કાર્યકારણ ભાવ સાથે મેળમાં ન હોય એટલે કે બુદ્ધિસંગત ન હોય તેને વિશેનું શિક્ષણ આપવાનું ઘણા આગળ પડતા દેશોને મંજૂર નથી. પણ આવા દેશોની પ્રજાના બુધ્ધિશાળી વર્ગને પણ કશુંક ખૂટતું તો લાગે છે. જો કાર્યકારણભાવ આપણા બધા માનુષી વ્યવહારોનું નિયામક તત્વ બની રહે તો કારણ અને તેનું કારણ વળી તેનું કારણ એમ કારણ કારણાનામ્ સુધી પહોંચવું પડે. પણ એ તો અજ્ઞાત છે. એટલે કે એ છે કે નહીં તે વિશે પણ બૌદ્ધિક અવઢવ છે. પણ એ નથી જ એમ પણ કહી શકાતું નથી. એ હોઈ પણ શકે. એટલે કે એને વિશે પાર વિનાનાં અનુમાનો ધરવામાં આવે છે અને કોઈ ને કોઈ અનુમાન કોઈની ને કોઈની શ્રદ્ધાનું આલંબન પણ બની રહે છે. અહીં સપ્રદાયભાવ નથી, વિજ્ઞાન છે; બુદ્ધિ અને તર્કથી પણ એ વિસંગત નથી; પણ એનાં પ્રમાણો ધરી શકાતાં નથી-ઓછામાં ઓછું,