Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 230 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ આ પ્રકારની કુમારપાળ રાજાની પ્રાર્થનાથી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું પ્રધાનફળ છે એવા આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત નામના મહાન ગ્રંથની સે. ૧૨૨૦ની સાલમાં રચના કરી. ઉપરની પ્રશસ્તિમાંથી કરેલા અવતરણમાંથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના વિશે કેટલીક મહત્વની બાબતો સિદ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી લખ્યો એટલેકે કુમારપાળ રાજાએ જૈનધર્મનો સ્વીકાર કર્યો ત્યાર પછી આ ગ્રંથની રચના થઈ છે. એ બતાવે છે કે હેમચંદ્રાચાર્યના છેવટનાં વર્ષોમાં આ ગ્રંથની રચના થઈ હોવી જોઈએ. આ મહાન ગ્રંથમાં એ સમયના સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાનાં પ્રતિબિંબો જોવા મળે છે. એક રીતે તો ગુજરાતનો તે કાળનો સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. આ દષ્ટિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે એ અહીં નોંધવું મને જરૂરી લાગે છે. આ ગ્રંથમાં છ ઋતુઓનાં હૃદયંગમ વર્ણનો, નાયક નાયિકાઓના રૂપલાવણ્યનાં વર્ણનો, દેશોના તથા નગરોનાં વર્ણનો, યુદ્ધોનાં વર્ણનો, તીર્થકરોના વૈરાગ્ય રસથી પરિપૂર્ણ ઉપદેશો, યોગીઓનાં શરીરનાં વર્ણનો, જ્ઞાનનાં વર્ણનો, ચમત્કારિક શક્તિઓનાં વર્ણનો, પ્રિયજનોના સંયોગ વિયોગનાં વર્ણનો વગેરે વાચતાં જાણે તે કાળની, તે સમયની વિપુલ માહિતી આપણને સાંપડી રહે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ગ્રંથના આરંભમાં ધન સાર્થવાહન પ્રવાસનું વર્ણન આવે છે. કવિ તેમાં લખે છે : “ધન સાર્થવાહનાં શ્વેત છત્રોથી શરદઋતુનાં વાદળોવાળું આકાશ શોભવા લાગ્યું.' (1-1-66) અંદર બેઠેલા યુવાન લોકોને કડા કરવા યોગ્ય ગાડાંઓ જાણે ચાલતાં હોય એમ શોભતાં હતાં.” (1-1-69). પાડાઓ પર પાણીની મશકો મકેલી હતી અને તેથી મોટી કાયાવાળા અને મોટા સ્કંધવાળા મહિષો જાણે પૃથ્વી પર ઉતરી આવેલા મેધ હોય તેવા લાગતા હતા અને મનુષ્યોની તૃષા છીપાવતા હતા.'' (1-1-70) - સાર્થવાહના અતિશય માલ સામાનના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી જાણે ગાડાંના અવાજ દ્વારા ચિત્કાર કરતી હતી.” (1-1-71) મરુદેવા માતા ગર્ભવતી બન્યાં છે. ભગવાન ઋષભદેવનો જન્મ થનાર છે. તે સમયનું વર્ણન કવિ રોચક શૈલીમાં કરે છે :