Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 237 સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય દરેક માનવીને પોતાના જ જીવનધબકારા સંભળાતા લાગે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વર્ગીકૃત કરવા કોઈ એકજ માપદંડ પર્યાપ્ત નથી લાગતો. વિવિધ ભેદની દષ્ટિએ એનું વર્ગીકરણ-વિભાગીકરણ કરી શકીએ. જાતિભેદ, અવસ્થાભેદ, યોનિભેદ, વસ્તુ કે વિષયવસ્તુભેદ, સ્વરૂપભેદ, ઉપયોગિતાભેદ, રસભેદ, પ્રકાર કે પ્રકૃતિભેદ એમ જુદા જુદા પ્રકારે એના પેટાપ્રકારો પાડીને લોકસાહિત્યને વર્ગીકૃત કરી શકાય. એ જ પ્રમાણે દશ્ય, શ્રાવ્ય, ગદ્ય, પદ્ય તથા ગદ્ય-પદ્યમય એ રીતે પણ પેટાવિભાગોમાં વિભાજિત કરી શકાય. લોકગીતો સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ભાવવૈવિધ્યની દષ્ટિએ, પ્રકારોની દષ્ટિએ, સંખ્યાની દષ્ટિએ અને લોકપ્રિયતાની દષ્ટિએ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે લોકગીતો. માનવસ્વભાવની નાનીમોટી તમામ ખાસિયતો લોકગીતોમાં પ્રતિબિંબિત થઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક વિશિષ્ટતા આ લોકગીતોમાં ઊતરી છે. એક લાંબા સુવિશાળ ક્ષેત્રને આવરી લેતી સંસ્કાર-પરંપરાએ લોકગીતોમાં કલાદેહ ધારણ કર્યો છે. એનું અનેક દષ્ટિએ વગીકરણ-વિભાગીકરણ થઈ શકે એવી ક્ષમતા આ સાહિત્યપ્રકાર ધરાવે છે. સમગ્ર લોકજીવન જેને આશરે ટકી રહ્યું છે એવું તત્ત્વ છે લોકધર્મ. સૌરાષ્ટ્રનો લોકસમાજ કયારેય ધર્મથી વેગળ નથી પડ્યો. જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનમાં આવતા તમામ પ્રસંગોએ ધર્મનાં તત્ત્વો અને ધાર્મિક ગવાતાં ગીતો, ધાર્મિક વિષયવસ્તુ ધરાવતાં કથાગીતો અથવા રાસડા અને પ્રાસંગિક સંસ્કારગીતોનો સમાવેશ થાય છે. ગણપતિ સ્થાપનાનાં ગીતો, રાંદલનાં ગીતો, ગોરમાનાં ગીતો, તુલસી વિવાહનાં ગીતો, નવરાત્રીના ગરબા, લોકદેવીની ઉપાસના સમયે ગવાતાં ગીતો, રામાયણ-મહાભારત, શ્રીમદ્ ભાગવતના પ્રસંગો, શ્રીકૃષ્ણ ચરિત, દાણલીલા, રાસલીલા, શિવચરિત્ર વગેરે પૌરાણિક પાત્રો-પ્રસંગો વર્ણવતા રાસડાઓ-કથાગીતો અને ખોળો ભરતી વેળા ગર્ભવતીને રાખડી બાંધતા, બાળકના જન્મ પછીના છઠીકર્મ સમયે, નામકરણ વિધિ સમયે, યજ્ઞોપવીત સમયે, સગાઈ-ચૂંદડી ઓઢાડતી વખતે અને લગ્નપ્રસંગના સમયે ગવાતાં લગ્નગીતો, કે અન્ય શુભકાર્યો વખતે ગવાતાં ગીતો ઉપરાંત મૃત્યુ સમયે ગવાતા છાજિયા, રાજિયા કે મરશિયામાં પણ ધર્મનો અનુબંધ જોવા મળે છે.