________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૧ શકિત મુજબ ભગવાનના માર્ગને અનુસરનારી બુદ્ધિ પ્રાપ્ત કરતાં કરતાં પરિણામની સ્થિરતા મેળવતો જાય છે. આ સ્થિરતા પ્રાપ્ત થતાં પોતાના અંતરમાં સહજ રીતે ભાવ પેદા થાય છે કે જે સુખની મને ઝંખના છે તે સુખ મારા પોતાના અંતરાત્મામાં રહેલું છે તેમાં અંતરાય કરનારા જેટલા કારણો હોય છે તેના પ્રત્યે સહજ રીતે આણગમો - નારાજી વધતી જાય છે એજ કારણે, જો સાવધ નહિ રહું તો મારા આત્માને માટે રખડપટ્ટીનું કારણ થશે. આ પરિણામને સહજ રીતે વધારતાં વધારતાં અભય-અષ-અખેદ ગુણની પ્રાપ્તિની શરૂઆત થાય છે.
આ ગુણોની શરૂઆત થતાં સંસારના પરિભ્રમણના નિમિત્તભૂત ૪ સંજ્ઞાઓ પ્રત્યે અંતરમાં તિરસ્કાર ભાવ પેદા થતાં તેનો શક્તિ મુજબ સંયમ થતો જાય છે અને તેના પ્રતાપે વ્રત-નિયમ અને પાંચ મહાવ્રત અંતરમાં વિશેષ રીતે ગમતા થાય છે. જ્યારથી આ ચીજો ગમતી થાય છે ત્યારથી અંતરમાં વિશેષ રીતે પરિણામ પેદા થાય છે કે આ જગતમાં સુંદરમાં સુંદર રીતે પાંચ મહાવ્રતનું અણિશુદ્ધ રીતે પાલન અરિહંત પરમાત્માઓએ કરેલું છે. માટે જીવનમાં તેમની જેટલી વિશેષ ભક્તિ થાય તેટલી હું કરતો થાઉં કે જેના કારણે તે વ્રતોનું પાલન કરવાની મારામાં શક્તિ પેદા થાય. . આ પરિણામની વૃદ્ધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ પોતાનું પાપમય જીવન વિશેષ રીત નફરતવાળું લાગતું જાય છે અર્થાત્ તેના પ્રત્યે તિરસ્કાર પેદા થતો જાય છે. અને નિષ્પાપ જીવન વધુને વધુ ગમતું જાય છે.
આ રીતે પોતાની શકિત પ્રમાણે વારંવાર પ્રવૃત્તિનો વેગ વધારતો વધારતો જેમ જેમ પરિણામની વિશુદ્ધિ કરતો જાય છે તેમ તેમ ભગવાનના શાસન પ્રત્યે રાગ વધારતો જાય છે આ રાગમાં જ્યારે જ્યારે સ્થિરતા પેદા થતી જાય છે, ત્યારે એનું મન નાચી ઉઠે છે. અને તે આનંદને ટકાવી રાખવા માટે ચિત્તની પ્રસન્નતા ગુણ પ્રાપ્ત કરતો જાય છે અને તેમાં સ્થિરતા કેળવતો જાય છે.
આવા જીવોની પ્રવૃત્તિ તે આત્માને ઠગનારી ગણાતી નથી માટે અવંચક કિયા ગણાય છે.
આ ચિત્તની પ્રસન્નતા અને સ્થિરતાથી સહજમળનો નાશ થાય છે. જેમ જેમ આ સહજમળ ઓછો થતો જાય છે તેમ તેમ આત્મિક ગુણના ખજાના તરફની દ્રષ્ટિ વધતી જાય છે. તેના પ્રતાપે અભય આદિ ગુણોને વિષે એકાગ્રતા પ્રાપ્ત થતી જાય છે શ્રી જિનેશ્વર પરમાત્મા તથા તેમના શાસ્ત્રો પ્રત્યે અત્યંત રાગ વધતો જાય છે, આના કારણે તે વચનો સાંભળવામાં પણ એવો પરિણામ કે દેવતાઈ સંગીત કરતાં પણ અધિક સુંદર વસ્તુ મને સાંભળવા મળી રહી છે એવો ભાવ પેદા થતો જાય છે,