Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૩૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
છે. કારણ કે ષોડશક તથા યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં બતાવેલ (૧) ખેદ, (૨) ઉદ્વેગ, (૩) ક્ષેપ (= વિક્ષેપ), (૪) ઉત્થાન, (૫) ભ્રાન્તિ, (૬) અન્યમુદ્ અને (૭) રોગ - આ સાત દોષોનો પ્રભાદષ્ટિવાળા યોગીમાંથી ઉચ્છેદ થયેલ છે. તેમજ પોતાના આત્મતત્ત્વનો જ તાત્ત્વિક પક્ષપાત, આત્મતત્ત્વને જ પ્રગટ કરવાનું પ્રબળ પ્રણિધાન વગેરે આત્મામાં છવાયેલ હોય છે. આથી તેનું પણ બળ પ્રાપ્ત થવાથી અહીં આત્મતત્ત્વનું ધ્યાન સ્થિરતાને ભજે છે, ધારણ કરે છે. ‘મારું આત્મતત્ત્વ તો (૧) દેહાતીત (= દેહભિન્ન), (૨) ઈન્દ્રિયાતીત (= ઈન્દ્રિયશૂન્ય), (૩) વચનાતીત (= શબ્દઅગોચર), (૪) મનાતીત (= મનથી અગ્રાહ્ય), (૫) કર્યાતીત (= કર્મપ્રકૃતિના અધિકારથી રહિત), (૬) કષાયાતીત (= કષાયના પગપેસારા વગરનું), (૭) વિકારાતીત (= વિકારોથી ન સ્પર્શાયેલું), (૮) વિભાવાતીત (= રાગાદિ વિભાવના સંપર્ક વિનાનું), (૯) વિકલ્પાતીત (= વિકલ્પોને ઓળંગી ગયેલ), (૧૦) વિચારાતીત (= વિચારને પેલે પાર રહેલ) વગેરે સ્વરૂપ છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ છે. હું શક્તિથી = લબ્ધિથી = સત્તાથી પરમાત્મસ્વરૂપ જ છું. શુદ્ધ દ્રવ્યદૃષ્ટિએ હું પરમાત્મતત્ત્વ જ છું’ - આ પ્રમાણે પોતાના જ પરમાત્મ* તત્ત્વનું ધ્યાન પ્રભાદૃષ્ટિમાં સ્થિર-શુદ્ધ-પ્રકૃષ્ટ થતું જાય છે. દીર્ઘ કાળ સુધી તેવી આત્મદશાને ટકાવવાથી સંખ્યાતા સાગરોપમ જેટલી મોહનીયાદિ કર્મની સ્થિતિ મૂળમાંથી ખતમ થાય છે, ખલાસ થાય છે. તેથી સાધક ભગવાન સર્વવિરતિની પરિણતિને ઝડપથી સંપ્રાપ્ત કરે છે. આ રીતે ‘પ્રભા’ નામની સાતમી યોગદૃષ્ટિમાં રહેલા યોગી પોતાના સ્વભાવના બળથી સમ્યક્ પ્રકારે બાહ્ય-આંતર મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે છે. * કર્મનાશ પ્રયત્નસાધ્ય છે
21
વિશેષાવશ્યકભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પ્રવચનસારોદ્વાર, શ્રાવકપ્રજ્ઞપ્તિ તથા પંચવસ્તુક ગ્રંથની ગાથાનું અહીં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે ‘સમ્યક્ત્વ મળે ત્યાર પછી (૧) પલ્યોપમ પૃથક્વપ્રમાણ (પૃથક્ક્સ = ૨ થી ૯) કર્મસ્થિતિ રવાના થવાથી શ્રાવક થવાય. (૨) ત્યાર બાદ સંખ્યાતા (= હજારો, લાખો, કરોડો કે અબજો) સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટવાથી ચારિત્ર મળે છે. (૩) ત્યાર પછી અન્ય ॥ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ખલાસ થવાથી ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય. (૪) તથા ત્યાર બાદ બીજા સંખ્યાતા (= ઢગલાબંધ) સાગરોપમ જેટલી કર્મસ્થિતિનો ઉચ્છેદ થાય તો ક્ષપકશ્રેણિ સંપ્રાપ્ત થાય.' અહીં આશય એ છે કે ૭૦ કોડાકોડી સાગરોપમ જેટલી કર્મસ્થિતિમાંથી અંતઃકોડાકોડી (૧ લાખ અબજ સાગરોપમમાં કંઈક ન્યૂન) સાગરોપમ જેટલી કર્મસ્થિતિ થાય ત્યારે જીવ સમકિત મેળવે. ત્યાર બાદ તે સ્થિતિમાંથી ૨ થી ૯ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિને જીવ ખપાવે ત્યારે પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક જીવને મળે. દેશિવરતિ પ્રાપ્તિ સમયે જેટલી કર્મસ્થિતિ હોય, તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી મોહનીયાદિ કર્મની સ્થિતિને સાધક ભગવાન ખતમ કરે ત્યારે તેને છઠ્ઠું કે સાતમું સર્વવિરતિ ગુણસ્થાનક મળે છે. આ રીતે આગળ સમજવું. અહીં જે જંગી કાળની કર્મસ્થિતિના નાશથી ઉપલા ગુણ -સ્થાનક ઉપર આરૂઢ થવાની વાત કરી છે, તે કર્મસ્થિતિનાશ ઉપર જણાવ્યા મુજબની નિર્મળ આત્મદશાનું નિર્માણ કરવાથી થાય છે. એમ ને એમ આપમેળે ઉપરના ગુણઠાણા ઉપર જીવ ચઢી જતો નથી. નિર્ગન્ધ દશાને નિહાળીએ
હવે સાધુજીવનમાં સાધક અપ્રશસ્ત નિમિત્તોના ઢગલામાંથી વિધિવત્ અત્યંત છૂટી જાય છે. સદ્ગુરુની