________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
સં. ૧૯૪૬ આસો વદી ૭ - સોમ. (સાયલા) શ્રી ત્રિભોવન માણેકચંદ, ખંભાત. બંન્ને ભાઈઓ
હું અહીં ચોક્કસ હિતકારીના આગ્રહથી આવ્યો છું. હાલમાં તમારું પત્ર પતું મળ્યું નથી. અહીંથી ગુરૂવારની સવારે રવાના થઈ તે જ દિવસે મૂળી સ્ટેશનથી બેસી દિવસના - પોણાબાર વાગે વઢવાણ કેમ્પ આવવા ઇચ્છા છે, ત્યાંથી તે જ દિવસના મેલમાં ઊતરવા ઇચ્છા રાખું છું. કદાપિ તમે જણાવ્યા પ્રમાણે ટ્રેઈનની યોજના ઠીક થશે તો શુક્રની મિક્સમાં આણંદ ઉતરીશ.
- લિ. રાયચંદ્ર - પ્રભુનો કૃપાપાત્ર વાંચી પૂજય અંબાલાલભાઈ સીગરામ લઈ આણંદ પ્રભુને લેવા ગયા. તે વખતે ખંભાત સુધી ટ્રેઈન આવતી ન હતી. પરમકૃપાળુ દેવ તથા મણીલાલ (પૂ.શ્રી સોભાગભાઈના ચિરંજીવી) સાયલાથી આવતી બપોરની ગાડીમાં ૧૨ વાગે આણંદ ઊતર્યા. દર્શન થતાં જ નમસ્કાર કર્યા. પ્રભુ સાથે પૂજય અંબાલાલભાઈ ફણાવ આવ્યા. શ્રી ત્રિભોવનભાઈ, સુંદરભાઈ તથા પૂજ્ય બાપુજી શેઠના નગીનભાઈ જણસણ - ફેણાવ રાહ જોતા ઊભા હતા. ફેણાવથી સીગરામમાં બેસી તેઓ બધા ખંભાત આવ્યા. મંગલમૂર્તિ પ્રભુએ લાભ ચોઘડીયે સાંજે ૫ વાગે અંબાલાલભાઈના ઘેર તારક પગલાં મૂક્યા. સંત દર્શન અમોઘ હોવાથી દર્શન થતાં જ અનંતભવના પાપોને - દોષોને બાળે છે, ભગવતની અમી દૃષ્ટિ જ્યાં જીવ ઉપર પડે છે, ત્યાં જ તેની મતિ પલટાઈ સન્મતિ થઈ રહે છે. એ ભગવાન વણબોલ્યા રહે તો પણ સદ્બોધ એ દષ્ટિથી મળે છે. કારણ કે “જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. એના અંગમાં ત્યાગ છે કે સંગ કરનારને રંગ લાગે.” એ ધન્ય પળે પ્રભુ મિલનનો મેળ - સુભાગ્ય સુમેળ સંધાઈ ગયો. એમાં ઇશ્વરનો અદશ્ય હાથ હતો. પ્રભુ પગલાંથી અંધારી રાત મટી ઊજળી બની ગઈ. સર્વ સત્કૃત્યો – પુણ્યો આજે ફળ્યાં.
પ્રભુ મેળાપથી તેનું હૈયું હેલે ચડ્યું . મન સ્નેહભીનું બની રહ્યું. પૂજ્ય દેવચંદ્રજીના સ્તવનના શબ્દોમાં કહીએ તો –
‘દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો, હું તો પ્રભુ વારિ છું તુમ મુખની, હું તો જિન બલિહારિ તુમ મુખની, મનમોહન તુમ સન્મુખ નિરખત, આંખ ન તૃપ્તિ અમચી.” “આજ મને ઉછરંગ અનુપમ,
જન્મ કૃતારથ જોગ જણાયો.” – પરમકૃપાળુદેવ.
અંતર-પરિણામ જનમ જનમનું દુ:ખ ગયું, અંતર આનંદની લહરી છૂટી. શુદ્ધ ચૈતન્ય મૂરતિ, નિરંજન નાથની અમી દૃષ્ટિથી, જીવતર સફળ થયું.
૨૬