________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૯
પૂ.શ્રી અંબાલાલભાઈ
૨) શ્રી સદ્ગુરૂદેવને નમસ્કાર :
પરમપૂજ્ય આત્માર્થી શ્રી સ્વરૂપ ઇચ્છાવંત શાહ અંબાલાલ લાલચંદ વિગેરે
જે જે પુરૂષને મોહ – અજ્ઞાન તથા મિથ્યાત્વનો ઉપશમ થયો છે, રાગ તથા દ્વેષ જેના મંદ પડ્યા છે, ઈન્દ્રિયો તથા આત્મા જેને પોતાને વશ વર્તે છે, કષાયઅગ્નિનો જેનામાં જય છે, તૃષ્ણાને ટાળીને સંતોષને વિષે અહોનીશ આત્મસ્વરૂપમાં રમણ કરી રહ્યા છે, પર પુદ્ગલથી ઉદાસીનતા વર્તે છે, પુરાતન કર્મના ઉદયે અનિચ્છા જેને વિષે રહે છે, સદાકાળ સ્વભાવરૂપી ધરમ પીને પરસ્વભાવમાં પેસી કર્મ બંધ થતા નથી એવા આત્મગુણ જ્ઞાનના રસિયા મહંત પુરુષને પરમ પૂજ્ય ઉપમા ઘટે. અમ સરીખાને આળરૂપ છે.
તમો અમદાવાદથી ભરૂચ સુધી કૃપાળુદેવના સમાગમમાં ગયા તે બહુ ધન્યવાદ છે. અમારે ઇચ્છા રહી ગઈ.
દ : ધોરીભાઈના નમસ્કાર સ્વિકારશો. સં. ૧૯૫૨ - આસો વદી - ૧૧
૩) પરમ દુર્લભ સત્સંગ પ્રાપ્ત અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડીયાદ. વિશેષ વિનંતી કે આપનો કૃપાપત્ર તથા શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ ક્ષુધાતુરને જેમ ભોજન મળે એવો વાંચતાં આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની-અનુભવીથી જ થાય એવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી. તેમ શાસ્ત્ર જ્ઞાનપણ નથી અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ મારે લખવો અતિ કઠણ છે, પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક પર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સદ્ગુરૂની સહાયથી શ્રી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર સપ્તાહે પાના - ૧૦ - દસ આપને બીડીશ. મને ભાષાજ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો તે જણાવશો. વારંવાર વિનયપૂર્વક શ્રીમદ્ પ૨મોપકારી શ્રી સદ્ગુરૂ પ્રત્યે મારી વંદણા કહેશો. હંમેશ સંભાળ લેવા (મારી) વિનંતી કરશો.
લિ. સેવક માણેકલાલ ઘેલાભાઈના દંડવત્ પ્રણામ ૪) શ્રી સૌભાગ્યભાઈના સમાગમ અર્થે આપ સાયલે જશો. આજ્ઞાથી લખ્યું છે.
શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ તથા ઉપદેશ પત્રો તમારા પ્રત્યેથી શ્રવણ કરવાની શ્રી સૌભાગ્યભાઈને વિશેષ જિજ્ઞાસા છે. પ્રસંગોપાત્ સામાન્ય મુમુક્ષુઓ સમાગમમાં હોય ત્યારે બનતા સુધી આધ્યાત્મિક પત્રો ન વાંચવા તેમજ આત્મસિદ્ધિ તો શ્રી સૌભાગ્યભાઈની સાથે એકાંતમાં વિચારાય તેમ કરશો. કેટલાક તેના આશય શ્રીમુખે કહ્યા છે તે સ્મ્રુતિમાં હોય તો શ્રી સૌભાગભાઈને દર્શાવશો.
મુંબઈ - જેઠ વદ ૧ ભોમ મનસુખ રવજીના પ્રણામ