________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૫૦
અપ્રગટ પત્ર
પૂ.શ્રી અંબાલાલભાઈ
સુજ્ઞ ભાઈ અંબાલાલ
“અત્રેથી શ્રાવણ વદ ૫ ની રાત્રીના મેલમાં વિદાય થવા ઇચ્છું છું. કયા ગામમાં રહેવું એ નહીં સૂઝવાથી આણંદ સ્ટેશને હાલ તો ઉતરવાનું ધારું છું. ત્યાં તમને મળ્યા પછી સ્થળ સંબંધી વિગત તમારા મુખેથી જાણી લઈ યોગ્ય કરીશું. શ્રી સોભાગભાઈ અમારા સમાગમને ઇચ્છે છે, જેથી તેઓને આણંદ સ્ટેશને ઉતરવા માટે આજે લખું છું અને તેઓ પણ બનતા સુધી શ્રાવણ વદ ૫ ની પ્રભાતે મોરબીથી રવાના થઈ શકે તો તેમ કરે એવી સૂચના કરૂં છું.
અમારું સ્વરૂપ જેને જાણવામાં છે તે ભાઈઓ આ વાત જાણે તો કાંઈ બાધ નથી પણ તે જાણેલું તેઓએ સૌ સૌએ પોતાના હૃદયમાં હાલ તો રાખવું યોગ્ય છે. કારણ કે હરિ ઇચ્છા તેવી છે.’’ કાવિઠા સં. ૧૯૫૨
સં. ૧૯૫૨માં કૃપાળુદેવ પેટલાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં અંબાલાલભાઈ લેવા આવેલા. પ્રભુએ કહ્યું - કાવિઠા જવાનું છે એટલે શ્રાવણ વદ ૧ ના સાંજે ૪ વાગે કૃપાળુદેવ કાવિઠા પધાર્યા હતા. સાથે પૂજ્ય શ્રી સોભાગભાઈ તથા પૂજ્ય શ્રી ડુંગરભાઈ, ઝવેર શેઠના ઘેર પધારેલા, તે વખતે
દશ દિવસની સ્થિરતા થયેલ અને કૃપાળુદેવ માટે સંયમી જીવન - જેવા આહારને માટે રસોઈ પૂજ્ય અંબાલાલભાઈ કરતા અને ઝવેર બાપાના ઘર આગળ મેડીએ - બે વાર જમવા પધારતા. એકવાર બાસુદીનું જમણ કરેલું. બધા મુમુક્ષુભાઈઓએ જમી લીધું પણ – બપોર સુધી અંબાલાલભાઈ જમ્યા નહીં. ઝવેર શેઠે પછીથી પ્રભુને કહ્યું કે અંબાલાલભાઈને જમવા આજ્ઞા આપો, તે વિના નહીં જમે. ત્યારે પ્રભુએ પૂછ્યું કોના કહેવાથી બાસુદી બનાવી હતી ? અંબાલાલે બાસુદી નહીં ખાવી. આવી કડક આજ્ઞા આપી તે પાળી હતી. યોગવાસિષ્ટ, સુંદર વિલાસ વિગેરે વૈરાગ્ય પોષક ગ્રંથો ત્યાં વાંચવાની આજ્ઞા કરી હતી. કાવિઠે સવાર - બપોર - સાંજ બોધ ધારા વહેતી. શ્રી આનંદઘનજી કૃત શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન - “શાંતિ જિન એક મુજ વિનતી'' એ સ્તવન વખતો વખત કહેવરાવતા અને ત્યાગ - વૈરાગ્યની વિશેષ વ્યાખ્યા ચાલતી. કંદમૂળનો સર્વથા ત્યાગ, પાંચ તિથિ લીલોતરી ત્યાગ વિ. પચ્ચખાણ ઘણા મુમુક્ષુએ કર્યા હતાં. કૃપાળુદેવ વનમાં ગામ બહાર મહુડીના કૂવા તરફ પધારતા. એક વખત બપોરના ૨ વાગે શ્રી પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને લઈ મહુડીના કૂવા આગળ બેઠા હતા, અને અંબાલાલભાઈને ઘણી ઘણી પ્રેરણા - શિખામણ આપી હતી કે – બધા મુમુક્ષુને તારે કહેવું કે આ પુરૂષ આનંદઘનજીની જેમ ગમે ત્યારે ઓચિંતા ઉદય પૂર્ણ થયે વનમાં જવા નીકળી જશે માટે તમારે સઘળાએ ગૃહત્યાગ કરવા તૈયાર રહેવું. સંસારનું કોઈ કામ બાકી ન રાખવું “જ્ઞાની મળ્યા ત્યારથી ભેઠ બાંધી તૈયાર થઈ રહેવું અને આજ્ઞા થયે ચાલી નીકળવું.”
- વ. ૩૩૬