________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
સંસારમાં ઉદાસીન રહેવું. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કર્યો તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે તો મોક્ષ થાય. આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે, ને નહીં જેવો જ સંસ્કાર થાય છે. કેશીસ્વામી મોટા હતા અને પાર્શ્વનાથના શિષ્ય હતા તો પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતા. કેશીસ્વામીએ એમ ન કહ્યું કે હું દિક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો. વિચારવાન અને સરળજીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં.
૨
“વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી ‘હું વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને છે; પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી.’ ‘મારું’ સ્વરૂપ તેથી જુદું જ છે.’’
“સદ્ગુરૂની આજ્ઞામાં બધાં સાધન સમાઈ ગયાં, જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે.”
“જો પૂર્વના સંસ્કારથી જ્ઞાનીના વચનો અંતરપરિણામ પામે તો દિન-પ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતા જાય ને સ્વરૂપ જાગૃતમાન થાય.”
વિ. સં. ૧૯૫૩
પૂજ્ય સોભાગભાઈ અને પૂજ્ય અંબાલાલભાઈને પરમાત્માનો એક જ સાલમાં ભેટો થયો. ત્યારથી કૃપાળુદેવના પત્રની પ્રસાદી અંબાલાલભાઈને મોકલે છે અને લખે છે કે સાહેબજીના ૬૦ પત્રો હાથ આવ્યા તે તમને મોકલ્યા છે, તમે અમારા અંગરૂપ જાણી અંગત - પત્રો - વેવારીક પણ મોકલ્યા છે તે જુદી ચોપડીમાં છાપજો. એમાં રહસ્ય મરમ ભરા છે. આ રીતની ભલામણ કરે છે.
કૃપાળુદેવે પણ પૂજ્ય અંબાલાલભાઈને વ. ૨૪૦માં સોભાગ સાથે પત્ર વ્યવહાર લખવા પ્રેરણા આપી – સત્પુરૂષરૂપે સોભાગભાઈને શ્રી પ્રભુએ બિરદાવ્યા છે.
“ગઈકાલે પત્ર અને ૫. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પત્તું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો. સાથે જણાવજો કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. - માટે સોભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. (સોભાગભાઈને) જ્ઞાન કથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.’’ - વ. ૨૪૦
શ્રી વડવા પ્રભુ પધાર્યા છે ત્યારે પૂ. શ્રી સોભાગભાઈને પોતાને ઘેર જમવા માટે પૂજ્ય અંબાલાલભાઈ લઈ જાય છે. પૂજ્ય સોભાગભાઈના હૃદયમાં બિરાજમાન શ્રી આદિપુરુષનું દર્શન કરી વિનયભક્તિ ઉપાસે છે.
પૂ. અંબાલાલભાઈએ આત્મસિદ્ધિશાસ્ત્રના ટૂંકા અર્થ પૂર્યા તે લખી મોકલ્યા તેનો જવાબ કૃપાળુદેવ વ. ૭૩૦માં લખે છે.