________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વવાણિયા પરમકૃપાળુ વચનામૃત ૫૪૦માં જીજીબેનના લગ્ન પ્રસંગે જવા વિષે લખે છે. સંવત ૧૯૫૧ મહા સુદ ૮ પછી પ્રભુજી શ્રી વવાણિયા પધારે છે. પ્રભુએ મુમુક્ષુઓ પર નિષ્કામ વાત્સલ્ય ધરીને આમંત્રણ આપ્યું છે. મુમુક્ષુઓ તો સાચાં સગાં છે.
તેથી પરમાત્માના દર્શન - સત્સંગ લાભની આકાંક્ષા સર્વેને હોય તો આવો લાભ કોણ જતો કરે ? જાણે પ્રભુની પવિત્ર સાનિધ્યતાનો અપૂર્વ અવસર આવ્યો જાણી કેટલાક મુમુક્ષુઓ હર્ષભેર વવાણિયા ગયા છે. પૂજય સોભાગભાઈ, પૂજય અંબાલાલભાઈ, પૂજ્ય બાપુજી શેઠ, પૂજ્ય છગનકાકા, મનસુખ દેવશી, કેશવલાલભાઈ વિગેરે હતા. તે બેન જીજીબાના વિવાહમાં તેડાવવાથી ગયા હતા. ઘેર પહોંચ્યા તે વેળા સાહેબજી બેઠા હતા, ત્યાંથી ઊભા થઈ હાથ મેળવીને અંદર લઈ ગયા. સાહેબજી ટ્રેઈનના ટાઈમે રાહ જોઈ ડેલીમાં ઊભા હતા. કૃપાળુદેવને છગનકાકા સામસામે બાથ ભીડીને મળ્યા પછી અંબાલાલભાઈ વિગેરેએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા પછી મેં પૂછ્યું - કે - “કેવળજ્ઞાન છે એમ કહીએ તો કેમ ?” ત્યારે કૃપાનાથે કહ્યું કે – “કેવળજ્ઞાન નથી, મન:પર્યવ નથી, અવધિજ્ઞાન આ કાળમાં નથી. છતાં તે વિષે વાત કરવી તે કેમ ? એટલે એ વાત ન કરવી. વળી તે લોક વિરૂદ્ધ છે.” એમ જવાબ દીધો.
પરમકૃપાળુદેવને ખંભાતના ભાઈઓ પૂ. શ્રી અંબાલાલભાઈ વિગેરે નમસ્કાર કરતા હતા તે જોઈને આ જીવને સમજાયું કે શ્રી સદ્ગુરૂ ભગવાનને મારે આ રીતે નમસ્કાર કરવાનું સૂઝયું. વિવાહમાં જાનના માણસોને - રવજી અદા, શ્રી મનસુખભાઈ વિગેરે કુટુંબીઓ જમવાના સમયે જમાડે ને પરમકૃપાળુ તો તે વિષેમાં કાંઈ પિરસતાં દૂધપાકનું કમંડળ ઢોળાઈ જાય તો પણ કાંઈ બોલતા નહીં. નવલચંદભાઈ સાથે કે કોઈ મુમુક્ષુ સાથે પરમાર્થ વાત કરતા અને પોતાને ખબર પડે કે આ માણસ આવશે તે સંસારની વાત કરશે તો પોતે સોડ તાણીને સૂઈ જાય. એ તેમના ગયા પછી કોઈ મુમુક્ષુ ધરમની વાત કરવા આવે તે વેળા તોડ કાઢી નાંખે તે વિષે નજરે જોવામાં આવતું. આ અમોહસ્વરૂપ હૃદય ત્યાગીની દશા છે. વ.માં પૂ. સોભાગભાઈને લખે છે કે – “એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી. તેમ તેવાં કાર્યનું માહાભ્ય કંઈ છે નહીં, એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી.” - વ. ૫૪૦
શ્રી હડમતિયા - રાણપુર
વિ. સં. ૧૯૫૧ સં. ૧૯૫૧ના પર્યુષણ – સંવત્સરી પત્રમાં કૃપાળુદેવ શ્રી અંબાલાલભાઈને ક્ષમાપના સાથે નિવૃત્તિ ક્ષેત્ર વિષે શ્રી વવાણિયાથી લખે છે.
“અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો.” - વ. ૬૩૫