________________
સિદ્ધપુરના ઇતિહાસના સિંહાવલોકન સમયે ઉપરોક્ત બે કર્મવીરોને યાદ કર્યા વિના નગરના ઇતિહાસની ગાથા અપૂર્ણ રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમર્પિત
જીવનપુષ્પોની એક અખ્ખલિત પુષ્પમાળાના આ બે કર્મઠવીરોના પ્રેરણાત્મક જીવનનો સત્સંગ સિદ્ધપુરને સવિશેષ મળેલો છે. આ બંનેએ આ નગરની ધૂળને રગદોળી અહીંના આબાલવૃદ્ધોમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર સિંચનમાં પોતાના પ્રાણ રેડેલા છે.
સંસ્કારલક્ષી તેમજ સ્વાવલંબી આદર્શોનું ભાથું પીરસવામાં આ બંને મહાપુરૂષોએ અહીં કોઈ શક્તિની કચાસ વર્તાવા દીધી નથી. ફક્ત સ્વયંસેવકો જ નહિ પણ માતાઓ-બહેનો અને નગરના તમામ નગરજનોને તેમના રાષ્ટ્રીય પરિવ્રાજક જીવનનો રંગ સ્પર્શેલો છે.
ભૌગોલિક સ્થાન-સ્થિતિ, સિદ્ધપુર નગર 23-50 ઉ. અક્ષાંસ તેમજ 73. પૂ. રેખાંશ પર આવેલું છે. અમદાવાદ-દિલ્હી રેલ્વે માર્ગ અને હાઈવે સડક માર્ગ નં 8 પર વસેલું છે. સમ આબોહવા ધરાવે છે. ધરતી પણ સમતલ છે. નગરની બાંધણી પૂર્વ-પશ્ચિમ છે. પૂર્વ-પશ્ચિમ રચના ધરાવતું આ નગર પૂર્વમાં નદી હોવાને કારણે પશ્ચિમ તરફ વિકસતું જાય છે. ઉત્તર તરફ પણ અવકાશ છે. જ્યારે દક્ષિણ તરફ નદી આવે છે.
નદી પાર કરી પૂર્વ તરફ જવા કોઝવે તૈયાર થયેલો છે. વરસનો સરેરાશ વરસાદ પચીસ ઇંચ છે. મોક્ષેશ્વર બંધ થયા પહેલાં નદીના જળનું વહન અને ચોમાસાની ઋતુમાં વારંવાર ભારે મહાપૂર આવવાને કારણે નગરની ભૂગર્ભ જળ સપાટી પણ ઉપરતલમાં રહેતી. વાતાવરણ હરિયાળું આનંદદાયક અને ઠંડકવાળું રહેતું.
મુંગા ઢોરના ચારા માટે નદી કિનારો અન્નપૂર્ણા સમાન હતો. સ્નાન ધ્યાનપુજા માટે નદી કિનારો એક ઉપાસનાગૃહ જેવો રહેતો.
પ્રાચીન શ્રીસ્થલ એજ સિદ્ધપુરની ભૂમિ હોવાનું પ્રતિપાદન સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. સાન્ડેસરાએ પણ પ્રકટ કરેલું છે.