________________
માતાએ તેના દાદા હિરણ્યપાદના વતન અને ત્યાં વિષ્ણુના હાથે થએલી તેમની બેરહમ હત્યાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. આ વૃત્તાંત સાંભળતા જ બર્બરક લાલપીળો થઈ ગયો. ક્રોધથી તેની આંખો લાલ અંગારા જેવી બની ગઈ. વૈરની ભાવનાથી તે સમસમી ઊઠ્યો. હોઠ પીસી વૈરનો બદલો લેવા તે તાડૂકી ઊઠ્યો.
તેણે એક દિવસ ચલતી પકડી. શોધતાં શોધતાં તે શ્રી સ્થલમાં આવી પહોંચ્યો. દાદાના મોતનું સ્થાન શોધી કાઢ્યું. એ જ સ્થાનને રહેઠાણનો અડ્ડો બનાવી પુન: ઉત્પાત મચાવવાના કાર્યમાં લાગી ગયો. દિન-પ્રતિદિન બર્બરકના બર્બર કૃત્યોથી ફરી શ્રીસ્થલની શાંતિ ભયના ઓથારમાં ફેરવાઈ ગઈ. હિંસાના ઓળા કાળા ડુંમર મેઘની જેમ છવાઈ ગયા. સંપૂર્ણ સમાજ ભયથી થરથરવા લાગ્યો. ચોતરફ આંતક અને અત્યાચારની બોલબાલા થઈ ગઈ.
પિંડદાન અને યજ્ઞયાગ દ્વારા દેવ અને પિતૃઓને મળતા પોષણની ક્રિયાઓમાં ઓટ આવી ગઈ. આ ક્રિયાઓ દ્વારા પ્રાકૃતિક સમતુલાની જાળવણી મંદ પડી ગઈ. કુદરતી સંતુલન હચમચી ઊઠ્યું. પૃથ્વી અને વાતાવરણ નિરસ બની શુષ્કતાનું સામ્રાજ્ય છવાવા લાગ્યું.
બર્બરકના ચાલી નીકળયા બાદ તેના બાપ મહારવની ઊંઘ પણ ઊડી ગઈ. મહારવ વિષ્ણુના બળ અને યુક્તિના પરાક્રમોથી પરિચિત હતો. બર્બરક પણ વિષ્ણુના હાથે રહેસાંઈ ન જાય તેની ચિંતાથી તેનું મન ચકરચકર થવા લાગ્યું. તે પણ શ્રીસ્થલમાં આવી પહોંચ્યો. વૈરના કૃત્યો છોડી દેવા તેણે બર્બરકને બહુ વિનવ્યો. પણ માને તો એ બર્બરક શાનો. વેરના શમનનું સામર્થ્ય પણ ગમે તેની પાસે નથી હોતું. વૈરભાવ પશુતાનો ગુણ છે તે સંસ્કારથી છૂટવા માટે દૈવી સંપત્તિઓના વિચારનો આવિષ્કાર થવો જોઈએ. આ આવિષ્કાર સત્સંગના માર્ગ વિના શક્ય નથી. બર્બરકનો દેહ એ બર્બરતાનો સ્તંભ નથી. સ્તંભ તો તેની માનસિકતા છે. જાત જાતની માનસિકતા જાતજાતના સંસર્ગોથી જન્મે છે.
જ્યારે મનુષ્યના હાથ હેઠા પડે છે. ત્યારે કાર્યસિદ્ધિ માટે કોઈ દૈવિ શક્તિઓનો સહારો લેવાની સુઝ ઉત્પન્ન થાય છે. મહારને પણ આ મહાલય તીર્થના અધિષ્ઠાતા દેવ મહાદેવનું શરણું શોધ્યું. તપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી પુત્રને યોગ્ય રાહે લાવવા અને બચાવવાનો સંકલ્પ કર્યો. નિષ્ઠાપૂર્વકના તપથી મહાદેવ મહારવ ઉપર પ્રસન્ન થયા. મહારવે મહાદેવ સમક્ષ પુત્રની ચિંતાની અંતર વ્યથા ઠાલવી.
મહાદેવે મહારવને પુત્રની ચિંતાથી મુક્ત થઈ જવા કહ્યું. તેમણે કહ્યું કે તારા બર્બરકને કોઈ મારી શકશે નહીં અને આ બર્બરક કદાપિ મરશે પણ નહીં. આ તારા બર્બરક હવેથી તેની બર્બરક શક્તિનો ઉપયોગ શિવભક્તના કોઈપણ કઠણમાં કઠણ કાર્યોને પાર પાડવામાં કરશે. તારો બર્બરક હવે સમાજ માટે ચિંતા ઉત્પન્ન કરનારો નહીં પણ ચિંતા મુક્ત કરનારો મહાબલિ બનશે.
મહાલય તીર્થમાં મહાદેવની ઉપાસના શીઘ્ર ફળ દેનારી છે. મહાદેવને ઓઢરદાની કહેલા છે. આસ્થા સાથેની નિષ્ઠાથી મહાદેવ તૂર્ત પ્રસન્ન બને છે.
૩૦