________________
આ રેખાચિત્રની સરસ્વતીના વિષયમાં અંતિમ સમાલોચનાને અંતે સામ્પ્રત પરિસ્થિતિઓની નોધ લેવી આવશ્યક છે. આ રેખાચિત્રમાં દર્શાવેલ હરિયાણાનો ઉત્તર-પશ્ચિમ પ્રદેશ રાજસ્થાનના જેસલમેર બાડમેર કરતાં કંઈક ઓછો પણ રેતાળ પ્રદેશ તો છે જ. પાકિસ્તાન તરફનો હરિયાણાથી શરૂ થતો અને રાજસ્થાનમાંથી છેક કચ્છ સુધી આ પશ્ચિમ ભાગ ભારતની વર્તમાન પ્રાકૃતિક ભૂસ્તરીય રચનાનો એક રેતાળ પટ્ટો દેખાય છે. પરંતુ ત્યાં પણ થતા સંશોધનો સંકેત કરે છે કે જેસલમેર અને બાડમેરના રણ વિસ્તારોમાં સરસ્વતીના ભૂગર્ભ જળભંડારો સંગ્રહાયેલા છે. પુષ્કરિન વિસ્તારથી અર્બુદારણ્ય અને છેક અંબિકાવન સુધીનો ધરતીનો પટો હરિયાળા છે. વૃક્ષો, અરણ્યો અને પુષ્કરિનોથી છવાયેલો છે.
અહીં અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ વાત સમજવા જેવી છે. રાજસ્થાનમાં લુણી નદીનો એક પ્રકટ પ્રવાહ પણ ઉત્તર-દક્ષિણ વહે છે. રાજસ્થાનમાં અપૂરતા વરસાદ અને અપૂરતા જળની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર તરફથી ભૂગર્ભમાંથી પાણી લેવા નળકૂપોની યોજના ઘણા સમયથી ચાલે છે. આ નળકૂપોની યોજનાનો એક સુખદ અનુભવ એ જાણવા મળ્યો છે કે સરસ્વતીના પટામાં આવેલ નળ કૂપોમાંથી મીઠું જળ મળે છે જ્યારે લુણીના પટાના સ્થળોમાં ખારું જળ પ્રાપ્ત થયું છે. સંક્ષિપ્તમાં સરસ્વતીના આ સમગ્ર પટામાં આવેલ ભૂગર્ભ જળો મીઠાં અને લગભગ સમાન ગુણધર્મો ધરાવે છે.
ગુજરાતની સરસ્વતીનું પ્રકટ જળ તો સર્વોત્તમ મીઠા જળ પૈકી એક ઉચ્ચતમ કક્ષાનું મીઠું જળ સાબિત થયેલું જ છે. તેની રેતી પણ રેતીના તમામ પ્રકારોમાં ધ્યાનાકર્ષક સાબિત થયેલી છે. આ રેતી શુદ્ધ આરસના પત્થરકણોની છે. આ રેતીમાં બેસનારને કપડાં પર રેતીનો રંગ સ્વાભાવિક રીતે પણ સ્પર્શતો નથી તે એક ધ્યાનાકૃષ્ટ હકીકત છે.
શ્રીસ્થલની સરસ્વતી વેદકાલિન સરસ્વતીનાં જળોની એક સંપત્તિ છે તેના ઐતિહાસિક પ્રમાણો પણ મળે છે. ઉત્તરની બ્રાહ્મણ સંસ્કૃતિનો એક પ્રવાહ પણ અહીં પરાપૂર્વકાળથી વસેલો છે અને અહીંથી જ સમસ્ત ગુજરાતમાં પ્રસરેલો છે. એ હકીકત તો નિર્વિવાદ પુરવાર થયેલી છે કે શ્રીસ્થલ સોલંકીકાળ પહેલાંનું પ્રાચીન બ્રાહ્મણ સંસ્કૃતિનું કેન્દ્ર છે.
સૃષ્ટિના ઉત્પત્તિ ખંડમાં બ્રહ્મા દ્વારા ઋષિઓની જે એક સર્વપ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે તેમાંના કર્દમમુનિ એક છે. કદમ મુનિનો ઇતિહાસ શ્રીસ્થલ સાથે સંકલિત છે. પ્રાચીનતમ સમયમાં વાલ્યખિલ્ય મુનિયોના વસવાટના કેન્દ્ર તરીકે શ્રીસ્થલ સુવિખ્યાત છે. ઋષિ સૃષ્ટિના અનેક ગોત્રોનો અહીં પ્રાચીન સમયથી વાસ છે.
શ્રીસ્થલ ગુજરાતનું એક પુરાતન સાંસ્કૃતિક કેન્દ્ર અને સરસ્વતીના વહન માર્ગનું સર્વોત્તમ તીર્થ હોવાથી તેની સામ્પ્રત સમસ્યાના એક દ્રષ્ટિકોણનું ચિત્ર ઉપસ્થિત કરી સમાપન કરીશું.
૫૨