________________
૬૯. અવતારવાદ : એક હિન્દુ અવધારણા
અવતારનો પર્યાય શબ્દ જન્મ થાય છે. જન્મથી જ જીવન પ્રારંભ થાય છે. જીવન આચરણથી વ્યક્ત થાય છે. એક સુનિયોજિત સમાજ રચનાના કાર્ય માટે સુવિચારીત જ્ઞાન અને આચારની જે પરિપક્વ પરિપાટી હોય છે તેને જીવનદર્શન કહે છે. કર્મ ફળના સૈદ્ધાત્તિક પાયા પર રચાયેલા હિન્દુ જીવનદર્શનમાં અન્ય અનેક મહત્ત્વપૂર્ણ અવધારણાઓ પૈકી અવતારવાદ એક કરોડરજ્જુ સમાન અવધારણા છે. હિન્દુ જીવનદર્શનની ધારણા અનુસાર કર્મ અને કામનાઓ જન્મ તેમજ જીવન નિર્માણની દિશા નક્કી થવામાં આધારભૂત યોગદાન આપે છે. માટેજ હિન્દુ માનસમાં એક દઢ માન્યતા પ્રવર્તે છે કે જેવું ચિત્ત બને છે. એવું જ કર્મ સંભવે છે. અને જેવું કર્મ બને છે એવું જ ફળ મળે છે. ગીતામાં કર્મફળ યોગનો સિદ્ધાન્ત સ્પષ્ટ અને સરળ રીતે વર્ણવેલો છે.
સરસ્વતી પ્રકરણમાં આવેલા ઇતિહાસોમાં જે જીવનદર્શનના માર્ગદર્શક સિદ્ધાન્તો સચવાયેલા છે તેની સમજથી શૂન્ય માનસમાં તેમાંની કેટલીક વાતો અત્યંત અટપટી માલુમ પડે તેવી છે. એવી કેટલીક માન્યતાઓ હોય છે, જે, જે તે સિદ્ધાન્તો સાથે સંકળાયેલ હોય છે. આ સિદ્ધાન્તોના રહસ્યને જાણવાના અભ્યસ્ત મન વિના આ વિષયોના ભેદ ઉકેલવાની વાત આકાશકુસુમવત જેવી લાગે છે. મુળભૂત તત્ત્વોના વિષયો એટલા સરળ નથી હોતા કે અખબાર વાચનની જેમ આંખો ફેરવી લેવાથી તે મનમાં ઠસી જાય.
હિન્દુ જીવનદર્શનના ચિન્તનમાં અવતારવાદ પણ એક એવો મૌલિક રહસ્યમય સિદ્ધાન્ત છે જે હિન્દુ માનસની અવધારણા સાથે જોડાયેલ છે. કોઈપણ સમાજમાં વ્યાપ્ત અવધારણાઓને સમજવા માટે તેના આધારભૂત રહસ્યોનું જ્ઞાન મેળવવું જરૂરી બને છે. તેમાં સચવાયેલા ચિંતનનું પણ ચિંતન કરવાનો અભ્યાસ કેળવવો પડે છે. અનેક એવા અજ્ઞાત સિદ્ધાંતોના વિષયો રહેલા છે જે આપણા અજ્ઞાત મનમાં માત્ર વાચનની પ્રક્રિયાથી સમજમાં બેસી શકે તેમ નથી. આવા વિષયોને સમજવા વાંચન સાથે મનન ચિંતન અને નિદિધ્યાસનપૂર્વકના અધ્યયનની જરૂર રહે છે. વ્યસ્ત મનને વિષયાનુરાગી બનાવી ઊંડા ચિંતનમાં કેન્દ્રિત કર્યા સિવાય ગૂઢ વિષયોમાં વશિત્વ પ્રાપ્ત થઈ શકતું નથી.
મહાભારતના કાળખંડમાં જે નિષ્ઠા અને પુરુષાર્થ સાથે શ્રીકૃષ્ણ અધર્મ સાથે સંઘર્ષ કરીને ધર્મના પુનરુત્થાન માટે જે પ્રવૃત્તિ કરી હતી, તે સૌ જાણે છે. શ્રીકૃષ્ણના આ પ્રવૃત્તિમાર્ગ પાછળ તેમની મનોકામનાઓનું સંકલ્પ બળ જ ઉદ્યમશીલ હતું. કર્મના અનુષ્ઠાનને કામનાઓનું બળ જ ગતિ પ્રદાન કરે છે. કર્મથી જીવનની દિશા કિંડરાય છે. એક પૂર્ણ પુરુષોત્તમ તરીકે શ્રીકૃષ્ણનું જીવન હિન્દુ માનસ માટે માર્ગસ્રષ્ટા બન્યું છે. આ કાળખંડમાં ધર્મ અને અધર્મના સિદ્ધાન્તોના સંઘર્ષ વચ્ચે વહેંચાયેલા