________________
જનજીવન પારાવાર મુશ્કેલીઓમાં તડફડતું હતું. દેશના ખૂણેખૂણે આ સામ્રાજ્યવાદી તાકતોની તલવારો ઘૂમી રહી હતી. સર્વત્ર નિરાશા અને ફડફડાટનો ભય છવાઈ ગયો હતો.
ધર્મ છોડનારને પ્રલોભનો અને ચુસ્ત નિષ્ઠાવાનને ભયના સંકેતો અપાઈ રહ્યા હતા. શૂરવીરોનો તો ખાતમો સર્જાઈ રહ્યો હતો. જે દેશમાં સ્વધર્મ અને સ્વદેશી ભાવનાવાળા શૂરવીરોને વીણી વીણી મોતને ઘાટ ઉતારવામાં આવતા હોય તે દેશમાં આ પડકારનો પ્રત્યુત્તર એજ ધર્મ ગણાય છે.
હવે ભક્તિ પછી. ભજન સંધ્યાવંદન પછી. દેવદર્શન પછી. તીર્થાટન પછી. આ બધા વૈયક્તિક કલ્યાણ સાધનાના મનસુબાઓને એક પોટકીમાં બાંધી દઈ રામદાસે વન- જંગલ અને ઝુંપડાઓમાં ફરી ફરી છત્રપતિ શિવાજીના બાવડામાં બળ પુરવાનો પુરુષાર્થ આદર્યો. જનજાગૃતિની લહેર ઉત્પન્ન કરી એક છત્ર નીચે છત્રપતિ શિવાજીના કાર્યને સફળ બનાવવા ઉદ્યમ . સમાજ સામેના પડકારને ઝીલી લીધો. પડકારના પ્રત્યુત્તર માટે સમાજને તૈયાર કર્યો. ( રામદાસે લખેલું છે કે હું જો સંધ્યાવંદન કે મઠમાં જ અટવાયેલો રહીશ તો આ આતાતાયીઓ મદ-મંદિરને પણ છોડશે નહીં. રામદાસ પણ નહીં રહે, તેનો શિષ્ય પણ નહીં રહે, તેનો મઠ કે મંદિર કશુંજ નહીં બચે. દેશનો સમાજ બચશે તો જ એ બધું બચશે.
રામદાસે જોયું કે આ વિદેશી સામ્રાજ્યવાદી તાકાતને અહીં ગુલામી નિર્માણ કરવા સિવાય કશું જ ખપે તેમ નથી. તાકાતના જોરે સામ્રાજ્ય અને સામ્રાજ્યના જોરે અહીંના સમાજજીવનને ખતમ કરવા સિવાય કોઈ ચિત્ર તેમને દેખાયું નહીં.
સંત હોય કે સજ્જન, જો આ દેરીના મૂળભૂત સામાજિક જીવનને જીવંત રાખવા માટે જો તે અપેક્ષા ધરાવતો હોય, તો તેણે સામાજિક જાગૃતિના અભિયાનમાં પોતાનો અર્થ આપવો પડશે.
વ્યક્તિ વ્યક્તિમાં શૌર્ય અને બલિદાનના સંસ્કારોનો રંગ લાવવો પડશે. આ ગુણોયુક્ત સમાજની સંઘટિત તાકાત ખડી કરવી પડશે. આ તાકાતના માધ્યમથી આ આક્રમણને લલકારનાર વીર પુરુષોના હાથ મજબુત કરવા પડશે. એકસુત્ર સંઘટિત તાકાત વિનાનો બળવાન સમાજ પણ સામર્થ્યહીન બની જશે.
સ્વામી રામદાસે સમાજમાં સુપ્ત સામાજિક વેદનાને વાચા આપી શિવાજીને અદ્ભુત સામર્થ્યનું બળ પ્રદાન કર્યું. વિદેશી સામ્રાજ્યવાદી તાકાતના ઓળાઓને હટાવવા સમર્થ બનનાર આ સંતને સમર્થ રામદાસ સ્વામીનું નામ મળ્યું.
છત્રપતિ શિવાજી મહારાજ સંબંધે કવિએ કહ્યું છે કે “જો શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી.” પરંતુ શિવાજીના આ સામર્થ્યના મુળમાં આ સમર્થ સંતનું બળ હતું.