________________
સરસ્વતીએ આ નિંદ્ય કર્મ માટે ગૌતામાઓની ભરપેટ નિંદા કરી. પરોપકાર માટે કરાયેલા આ કર્મની સરસ્વતી દ્વારા થયેલ નિંદાથી ગૌમાતાઓના અંત:કરણમાં દાહ ઉત્પન્ન થયો. દાહથી દુભાયેલી ગૌમાતાઓએ પોતાના જેવો જ દાહ ટૂંકમાં તને થશે એવો તેમણે સરસ્વતીને શાપ આપ્યો.
બીજી તરફ પિપ્લાદ મોટો થતાં આશ્રમનાં અન્ય બાળકો સાથે રમવા લાગ્યો. રમતાં-રમતાં બાળકો તેમનાં પિતાના ખોળામાં પણ જઈ બેસતાં. આ નાના કિશોરને વિચાર આવ્યો કે મારા બાપ કોણ ? તેણે માને પુછ્યું. માતાએ જણાવ્યું કે તારા પિતા તો દધિચિ છે. જે પંચત્વ પામ્યા છે.
સુભદ્રાએ દધિચિના મ૨ણ અંગેનો બલિદાનનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો આ ઇતિહાસ સાંભળી પિપ્લાદ સમસમી ઊઠ્યો. સ્વાર્થી લોકોને શિક્ષા કરવાનો તેણે સંકલ્પ કર્યો. પિતાના શત્રુ જેવા દેવોની જડ ઉખેડવા કૃત્યાની સાધના માટે તેણે તપનો પુરૂષાર્થ આદર્યો. તે ત્યાંથી હિમાલયના અંતરિયાળ પ્રદેશમાં પહોંચી ગયો. ભૂખ-દુ:ખ-તૃષા-ઠંડી-ગરમી વેઠી કૃત્યાની સાધનામાં તે મચી પડ્યો.
ઘોર તપશ્ચર્યાને અંતે એક દિવસ એક ભયાનક વડવા તેની જાંઘમાંથી ઉત્પન્ન થઈ અગ્નિસમાન તેજપુંજ ગર્ભને તેની સામે છોડી અદશ્ય થઈ ગઈ. પ્રચન્ડ અગ્નિજ્વાળા જેવા ગર્ભને જોઈ પિપ્પલાદ ક્ષણભર મુંઝાઈ ગયો. ગરજતા ગર્ભે પિપ્લાદને લલકાર કર્યો. ‘‘બોલ, કયું કામ પૂર્ણ કરવા મારી સાધના કરેલી છે. બતાવ. જે કાર્ય હોય તે પૂર્ણ કરીને જ હું જંપીશ.'’
પિપ્લાદે આ વડવાનલને દેવોના નાશ માટે પ્રાર્થના કરી. આ સમાચાર જાણતાં જ દેવોમાં ખળભળાટ મચી ગયો. બધા દેવો આ આફતથી રક્ષણ મેળવવા દેવોમાં શ્રેષ્ઠ એવા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ દેવોને સાંત્વન આપ્યું. સર્વ દેવોને સાથે લઈ વિષ્ણુ બ્રહ્માજી પાસે પહોંચી ગયા. આ ઉપસ્થિત સંકટથી બ્રહ્માજીને વાકેફ
કરાયા.
સર્વ દેવોને બ્રહ્મા પાસે બેસાડી વિષ્ણુ સીધા વડવાનલ પાસે પહોંચી ગયા. વડવાનલ પાસે જઈ તેમણે તેના કાર્ય સંબંધે પુછ્યું. વડવાનલે સર્વ દેવોના ભક્ષણ માટેનો પોતાનો નિર્ધાર બતાવ્યો. વડવાનલના સારને જાણી લઈ તેના નિર્ધારને સફળ રીતે અમલમાં મુકવા એક સૂચન કર્યું.
વિષ્ણુ બોલ્યા, હે ભાઈ, દેવો તો ઘણા છે. તે બધાને એક સામટા તું ભક્ષણ કેવી રીતે કરીશ ? મારું જો માને તો એક ઉપાય બતાવું. એક પછી એક એમ બધા દેવોને ભક્ષ બનાવી તું તારું કાર્ય પૂર્ણ કર.
સૌથી મોટા દેવ જળદેવ છે. તેમના ત્યાં જઈ સર્વ પ્રથમ તેમનું ભક્ષણ કર. વડવાનલ વિષ્ણુના આ યુક્તિપૂર્વકના વેણ સાથે વડવાનલ સહેલાઈથી સહમત થઈ ગયો. પરંતુ તેણે કહ્યું કે ત્યાં સુધી પહોંચવા માટે એક યથાયોગ્ય યાન જોઈએ, એક સુંદર કુમારિકા જ મારું યાન હોઈ શકે. વિષ્ણુએ યાનની વ્યવસ્થા માટે ખાતરી આપી યાન લેવા ત્યાંથી વિદાય થઈ ગયા.
વિષ્ણુ ત્યાંથી સીધા બ્રહ્માના સ્થાને પહોંચી ગયા. બ્રહ્મા તથા સર્વ દેવો તેમની