________________
મૃગકેતુ નામનો એક વિદ્યાઘર હતો. સુકેશી તેની પત્ની હતી. દેવયોનિની જેમ વિદ્યાઘરોની પણ એક યોનિ સ્વર્ગમાં રહે છે. વિદ્યાઘટો પણ દેવોની જેમ સ્વર્ગ આકાશ અને મૃત્યુલોકમાં વિહાર કરી શકે છે. સર્વત્ર વિચરે છે.
એક દિવસે મૃગકેતુ પત્ની સહિત આ ઉપવનમાં આવી પહોંચ્યો. આ વનમાં એક સુંદર બાલિકા દડે રમતી હતી. બાલિકાને જોઈ તેણે પત્નીને તેના વિષયમાંપુછ્યું કે આ કોણ છે ? ઘોર જંગલમાં એકલીને રમતી જોઈ તેને નવાઈ લાગી. સુકેશીએ જણાવ્યું કે આ બાલિકા ભાર્ગવશ્રેષ્ઠ શુક્રાચાર્યની પુત્રી છે. પિતાના પ્રભાવથી તે પણ જ્યાં ઇચ્છે ત્યાં નિર્ભયતાથી હરેફરે છે.
મજાકીયા વિઘાઘરે મજાક કરવાના હેતુથી ચૂપચાપ દડો ઉઠાવી સુકેશીના હાથમાં આપી દીધો. વિદ્યાઘરના આ નટખટ કૃત્યથી ચિઢાઈ દેવયાનીએ તેને શાપ આપ્યો કે એક વાનરની જેમ નટખટ વૃત્તિથી જેણે આ કામ કર્યું છે તે એક વાનર બને તેમજ આ દડો જેના હાથમાં છે તે મૃત્યુલોકમાં એક સ્ત્રી બની અવતરે.
એકાએક મળેલા શાપથી ડઘાઈ ગયેલા વિદ્યાઘર અને તેની પત્નીએ દેવયાનીની માફી માંગી અને શાપથી છુટકારાનો માર્ગ પૂછ્યો. દેવયાનીએ જણાવ્યું કે એક સ્ત્રીના અવતારે તારી મુલાકાત જ્યારે થશે ત્યારે તમો બંને શ્રાપમુક્ત બની પોતાના અસલ સ્વરૂપને પ્રાપ્ત થશો.
શાપના પ્રભાવે વિદ્યાધર એક વાનર બની ગયો. સુકેશી મૃત્યુલોકમાં એક સ્ત્રી તરીકે અવતરી. મોટી થયે તેનો વિવાહ એક પુરુષ સાથે થયો. એક દિવસ આ પુરુષ પોતાની પરણેતર સ્ત્રીને લઈ સાસરેથી પોતાના ગામ ભણી જવા નીકળ્યો. માર્ગમાં ઘનઘો૨ જંગલ આવતું હતું. વનમાં આ પુરુષે એક વિકરાળ વાનરને પોતાના તરફ આવતો જોયો વાનરના હુમલાના ભયથી આ પુરુષ જ્યાં ધનુષ્ય ઉઠાવી રહ્યો હતો; એટલામાં તો ચપળ વાંદરાએ તેના હાથમાંથી ધનુષ્ય છીનવી લઈ તોડી નાંખ્યું. ભયથી ગભરાયેલ અને શસ્ત્રવિહીન આ પુરુષે પ્રાણ બચાવવા ગામ તરફ દોટ મૂકી. ગામમાં પહોંચી પોતાના સગાસંબંધી અને હથિયાર સાથે તે પાછો આ જંગલમાં આવી વાંદરાને શોધવા માંડ્યો. તેઓએ જોયું તો એક ઝાડ નીચે સ્ત્રીના ખોળામાં માથું મૂકી આ વાંદરો ઊંઘી રહ્યો હતો. દૂરથી ભારે કોલાહલ મચાવી વાંદરાને જગાડવામાં આવ્યો. ધનુષ્યના પ્રહારોથી લોકોએ વાંદરાને મારી નાંખ્યો. મૃત્યુ સમયે ચીસો પાડતા આ વાંદરાના શરીરને ખોળમાં લઈ પેલી સ્ત્રી પણ અફાટ રૂદન કરવા લાગી. ઉપસ્થિત લોકોએ આ વાંદરાથી સ્ત્રીને અલગ પાડવા ઘણી કોશિષ કરી ખૂબ ખૂબ સમજાવી. છતાં સ્ત્રી તો વાંદરાના મૃત દેહને વળગી રહી રોકકળ કરવા લાગી. આ સ્ત્રીએ લાજ-શરમ છોડી લોકોને સાફ-સાફ જણાવી દીધું કે હવે આ વાનર વિના મારું જીવતર બેકાર છે. હવે હું જીવતી રહેવા માંગતી નથી. જાઓ લાકડાં લાવી ચિતા સજાવો. ચિતામાં આ વાનરના દેહની સાથે મારો દેહ પણ બળી રાખ થશે.