Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૯૦ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૩
જ એનાથી ઉત્પન્ન થયેલાં સુખ-દુઃખો સાથે જોડાય છે. ચિતિની છાયાવાળું ચિત્ત સુખદુઃખ ભોગવે છે. માટે ચિતિ અને ચિત્તના ભેદનું ગ્રહણ ન થવાથી પુરુષમાં “હું ભોક્તા છું” એવું અભિમાન થાય છે. પોતાના અનુભવના આશ્રયે ઉત્પન્ન થયેલાનો એવો સ્વભાવ હોય છે કે, એ જ સ્મરણ કરે છે અને ફળ ભોગવે છે, બીજાઓ નહીં. અને સ્વભાવ કોઈ નિયમ કે પ્રશ્નને માટે અવકાશ રાખતો નથી કે આમ થાઓ કે આમ ન થાઓ અથવા આમ કેમ ન થાય વગેરે.
અગાઉ કહેલા તર્કોથી જેને સંતોષ થયો નથી, એના પ્રત્યે “કિં ચ સ્વાત્માનુભવાપદ્ભવઃ...” વગેરેથી કહે છે કે ઉદય અને અસ્ત ધર્મવાળા અનુભવો અને એમની સ્મૃતિઓ ઘણી હોવા છતાં એમને આશ્રય આપતું ચિત્ત અભિન્નપણે “હું” એવા જ્ઞાનનું અનુસંધાન કરે છે. આવો અહંપ્રત્યય અત્યંત ભિન્ન પ્રત્યયોનું અવલંબન કેવી રીતે કરે ?
(વૈનાશિક કહે છે) પણ ગ્રહણ અને સ્મરણરૂપ કારણો જુદાં હોવાથી અથવા પરોક્ષ-અપરોક્ષરૂપે વિરુદ્ધ ધર્મોના સંબંધને કારણે પ્રત્યભિજ્ઞાન (સ્મરણ) નામનું એક જ્ઞાન નથી, જેને લીધે પ્રત્યયી ચિત્તની એકતા સિદ્ધ થાય. એના જવાબમાં “સ્વાનુભવગ્રાહ્યશ્ચાયમભેદાત્માહમિતિ પ્રત્યયઃ...” વગેરેથી કહે છે કે પોતાના સીધા અનુભવ વડે ગ્રહણ કરાતું “હું છું” એવું જ્ઞાન હંમેશાં પોતાની સાથે અભિન્નભાવે ઉત્પન્ન થાય છે. પણ કારણોના ભેદ અને વિરુદ્ધ ધર્મોના સંસર્ગને આમાં બાધક દર્શાવ્યું, એના જવાબમાં “ન ચ પ્રત્યક્ષસ્ય માહાત્મ્ય પ્રમાણાન્તરેણાભિભૂયતે...” વગેરેથી કહે છે કે પ્રત્યક્ષને અનુસરીને જ સામગ્રીનો અભેદ અને પરોક્ષ અપરોક્ષ ધર્મનો અવિરોધ “ન્યાયકણિકા''માં પ્રતિપાદિત કર્યો છે. તેમજ અક્ષણિક (સ્થાયી) ચિત્તની સાર્થક ક્રિયા વગેરે વિષયોનું “ન્યાયકણિકા' અને “બ્રહ્મતત્ત્વસમીક્ષા''માં નિરૂપણ કર્યું છે. આમ બધું સ્પષ્ટ છે. ૩૨
યસ્યેવં શાસ્ત્રેળ પરિકર્મ નિશ્ચિંતે તથમ્ ?- વ્યસ્થિત ચિત્તનો શાસ્ત્ર વડે સંસ્કાર નિર્દેશાય છે, એ કેવો છે ?
मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥३३॥
સુખ, દુ:ખ, પુણ્ય, અપુણ્ય માટે મિત્રતા, કરુણા, ખુશી અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ૩૩