Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૫]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૪૩
પ્રસુપ્તથી ભેદ કહ્યો. “રાગ કાલે ક્રોધસ્યાદર્શનાત્” વગેરેથી કહે છે કે રાગ જ્યારે કાર્યશીલ હોય ત્યારે એનાથી ભિન્ન જાતિનો ક્રોધ દબાય છે, અથવા સજાતીય બીજા વિષયમાં પ્રવર્તતા રાગથી અન્યવિષયક રાગ દબાય છે. “સ હિ તદા પ્રસુપ્તતનુંવિચ્છિન્નો ભવતિ'થી ભવિષ્યમાં ઉત્પન્ન થનારા ક્લેશની પ્રસુપ્ત, તનુ અને વિચ્છિન્ન એમ ત્રણ પ્રકારની ગતિ યથાયોગ્યસ્થિતિ મુજબ જાણવી જોઈએ એમ કહે છે. “સઃ” એ સર્વનામ ભવિષ્યમાં થનારા ક્લેશમાત્રનો નિર્દેશ કરે છે, ચૈત્રના રાગનો નહીં, કારણ કે એ વિચ્છિન્ન છે. “વિષયે યો લવૃત્તિઃ’ વગેરેથી ઉદાર વિષે કહે છે કે એ વિષયમાં લબ્ધવૃત્તિ છે.
પણ ઉદાર ક્લેશ જ પુરુષોને દુઃખ આપે છે, તેથી એ ભલે ક્લેશ કહેવાય. બીજા તો દુ:ખ આપતા નથી, તો એમને ક્લેશ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “સર્વ એવૈતે..” વગેરેથી કહે છે કે તેઓ ક્લેશવિષયતા, ક્લેશ શબ્દથી પ્રગટતા અર્થનું અતિક્રમણ કરતા નથી, કારણ કે ક્રમશઃ તેઓ ઉદાર અવસ્થાને પ્રાપ્ત કરવાના છે. તેથી એ પણ ત્યાગ કરવા યોગ્ય છે, એવો ભાવ છે. “કસ્તર્હિ...'' વગેરેથી ક્લેશ તરીકે એકપણું માનીને પૂછે છે કે વિચ્છિન્ન, પ્રસુપ્ત વગેરે જુદાં નામ કેમ છે? “ઉચ્યતે સત્યમેવૈત' વગેરેથી જવાબ આપે છે કે ક્લેશપણાની દૃષ્ટિએ સમાન હોવા છતાં, હમણાં કહેલી અવસ્થાઓના ભેદથી વિશેષ છે.
ભલે. અવિદ્યાથી ક્લેશો ભલે ઉત્પન્ન થતા, પણ અવિઘા નિવૃત્ત થતાં તેઓ શાથી નિવૃત્ત થાય છે ? વણકર નિવૃત્ત થતાં વસ્ર નિવૃત્ત થતું નથી. એના જવાબમાં “સર્વ એવામી' વગેરેથી કહે છે કે એ બધા અવિદ્યાના ભેદો છે. ભેદો જેવા જણાય છે માટે ભેદ કહેવાય છે. એટલે કે અવિઘાથી જુદા રહી શકતા નથી, એમ જાણવું જોઈએ. પૂછે છે “કસ્માત્” - કેમ ? “સર્વેષ્વવિધૈવાભિપ્લવતે ...”
વગેરેથી જવાબ આપે છે કે એ બધામાં અવિઘા જ આંતરપ્રવાહ તરીકે વહે છે. “યદવિદ્યયા વસ્ત્વાકાર્યતે...' વગેરેથી એને સ્પષ્ટ કરે છે કે વસ્તુપર અવિઘા જે રૂપનો આરોપ કરે છે એ રૂપમાં મિથ્યાજ્ઞાન દરમ્યાન તેઓ દેખાય છે, અને અવિઘા ક્ષીણ થતાં નાશ પામે છે. “આકાર્યતે” એટલે આરોપ કરાય છે. બાકીનું સુગમ છે. સંક્ષેપમાં “તત્ત્વોમાં લીન થયેલાઓમાં ક્લેશો પ્રસુપ્ત હોય છે. યોગીઓમાં ક્ષીણ થયેલા હોય છે. અને વિષયોમાં આસક્ત પુરુષોમાં વિચ્છિન્ન અને ઉદાર રૂપવાળા હોય છે.” ૪
તત્રાવિદ્યા સ્વરૂપમુતે- એમાંથી અવિઘાનું સ્વરૂપ કહેવામાં આવે છે