Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૩ સૂ. ૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૮૧
ઊલટું કેમ ન થાય ? એના જવાબમાં “ન હ્યુજિતાધરભૂમિ...” વગેરેથી કહે છે કે શિલાહૂદથી ગંગા જવા માટે નીકળેલો માણસ મેઘવન ગયા વિના ગંગા પહોંચતો નથી. ઈશ્વરના અનુગ્રહથી આગળની ભૂમિ જિતાય, તો પહેલાંની ભૂમિ માટે સંયમ કરવો યોગ્ય નથી, એમ શાથી કહ્યું? કારણ કે આગળની ભૂમિ બીજી રીતે કે ઈશ્વરકૃપાથી જિતાઈ છે. સાધ્ય મેળવી લીધા પછી, એમાં બીજી કોઈ વિશેષતા ન ઉમેરનાર સાધન અપનાવવું, સાધનાના ન્યાયની દૃષ્ટિએ નિરર્થક છે.
ભલે. પણ આગમથી સામાન્યપણે ક્રમિક, ભિન્ન ભૂમિઓ વિષે જાણ્યા પછી, એક પછી એક ભૂમિઓ જીતવી જોઈએ એવું શાથી ? “ભૂમેરસ્યા:” વગેરેથી આ પ્રશ્નનો જવાબ આપે છે. જીતેલી યોગભૂમિ આગળની ભૂમિના જ્ઞાન માટે, પ્રવૃત્તિ માટે અને પ્રાપ્તિ માટે હેતુ છે. અવસ્થા અને અવસ્થાયુક્ત યોગીમાં ભેદ નથી, એવા અભિપ્રાયથી આમ કહેવામાં આવ્યું છે. એમ સમજવું જોઈએ. ૬
त्रयमन्तरङ्गं पूर्वेभ्यः ॥७॥ આ ત્રણ, પૂર્વનાં સાધનો કરતાં અંતરંગ છે. ૭
માણ तदेतद्धारणाध्यानसमाधित्रयमन्तरङ्गं संप्रज्ञातस्य समाधेः पूर्वेभ्यो यमादिभ्यः पञ्चभ्यः साधनेभ्य इति ॥७॥
ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સાધનો, પહેલાંના યમ વગેરે પાંચ સાધનો કરતાં, સંપ્રજ્ઞાત સમાધિ માટે અંતરંગ છે. ૭
तत्त्व वैशारदी कस्मात्पुनर्योगाङ्गत्वाविशेषेऽपि संयमस्य तत्र तत्र विनियोगो नेतरेषां पञ्चानामित्यत आह-त्रयमन्तरङ्गं पूर्वेभ्यः । तदिदं साधनत्रयं साध्यसमानविषयत्वेनान्तरङ्गम् । न त्वेवं यमादयः, तस्मात्ते बहिरङ्गा इत्यर्थः ॥७॥
યોગનાં અંગ તરીકે બધાં સાધન સમાન હોવા છતાં, સંયમનો જ જે તે ભૂમિમાં વિનિયોગ કરવો, અને અન્ય પાંચ અંગોનો નહીં, એનું શું કારણ? આના જવાબમાં “ત્રયમન્તરંગ પૂર્વેભ્યા” એમ કહે છે. આ ત્રણ સાધનો સાધ્ય સાથે સમાન વિષયવાળાં હોવાથી અંતરંગ છે. યમ વગેરે એવાં નથી. તેથી એ બહિરંગ છે, એવો અર્થ છે. ૭