Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૬૩
આયુ અને ભોગનો હેતુ હોવાથી “ત્રિવિપાક” (ત્રણ ફળઉત્પન્ન કરનાર) કહેવાય છે. તેથી કર્ભાશય “એક ભવિક” (એક જન્મ આપનાર) કહેવાય છે.
દૃષ્ટજન્મવેદનીય (વર્તમાન જન્મમાં ફળ આપનાર) કર્ભાશય ભોગ હેતુરૂપ હોય તો, એક વિપાકનો આરંભ કરનાર, અથવા ભોગ અને આયુના હેતુરૂપ હોય તો બે વિપાકોનો આરંભ કરનાર, એટલે નંદીશ્વર અને નહુષની જેમ દ્રિવિપાક અને એકવિપાકનો આરંભકરનાર બને છે.
અનાદિકાળથી ચાલ્યા આવતા ક્લેશ અને કર્મવિપાકના અનુભવોથી ઉત્પન્ન થયેલી અસંખ્ય વાસનાઓથી ભરેલું ચિત્ત વિચિત્ર રંગોવાળા કઢંગા ચિત્ર જેવું કે ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું જણાય છે, તેથી વાસનાઓ અનેક જન્મોમાં ઉત્પન્ન થયેલી માનવી જોઈએ. પરંતુ આ જે. કર્ભાશય છે એને એકભવિક કહ્યો છે, જે સંસ્કારો સ્મૃતિનું કારણ છે, એ વાસનાઓ કહેવાય છે, અને અનાદિ કાળથી એકઠી થયેલી છે.
એક ભવિક કર્ભાશય નિયતવિપાક (નિશ્ચિતપણે ફળ આપનાર) અને અનિયતવિપાક એમ બે પ્રકારનો છે. એમાં દષ્ટ જન્મવેદનીય (વર્તમાન જન્મમાં અનુભવવાનો) અને નિયતવિપાક કર્ભાશયને જ આ નિયમ લાગુ પડે છે, અદષ્ટ જન્મવેદનીય અને અનિયત વિપાકને નહીં. કેમ? કારણ કે અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાક કર્ભાશયની ત્રણ ગતિઓ છે. એક, કરેલા કર્મનો ફળ આપ્યા વિના વિનાશ. બે, મુખ્ય કર્મમાં ભળી જવું અને ત્રણ, નિયતવિપાકવાળા મુખ્ય કર્મથી લાંબા સમય સુધી દબાયેલા રહેવું. એમાં કરેલા કર્મનો ફળ આપ્યા વિના (પાક્યા વિના) વિનાશ એટલે અહીં જ શુક્લ કર્મથી કૃષ્ણ કર્મનો વિનાશ. આ વિષે કહ્યું છે :- “પાપીનાં બે બે કર્મો (કૃષ્ણ અને શુક્લકૃષ્ણ)ના સંચયને એક (તપ, સ્વાધ્યાય વગેરે) પુણ્યકર્મોથી થયેલો સંચય નષ્ટ કરે છે. તેથી કવિઓ (જ્ઞાની યોગીઓ) કહે છે કે અહીં જ સારાં કર્મ કરવાનો આગ્રહ રાખો.”
પ્રધાન કર્મમાં ભળી જનારા કર્મોવિષે કહ્યું છે : “જે થોડું સહેલાઈથી (પ્રાયશ્ચિત વગેરેથી) ટાળી શકાય એવું અને સહન કરી શકાય એવા દુઃખરૂપ