Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૩ સૂ. ૨]
વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૭૫
આદિ શબ્દથી તાળવું વગેરે ગ્રહણ કરવા જોઈએ. “બાહ્ય...” વગેરેથી બહારનાં સ્થાન કહે છે. બહારના પદાર્થોમાં ચિત્તનો સ્વરૂપથી સંબંધ સંભવિત ન હોવાથી વૃત્તિમાત્ર કે જ્ઞાનમાત્રથી ચિત્ત સ્થિર કરવું, એવો અર્થ છે. આ વિષે પુરાણ કહે છે “પ્રાણાયામથી પવનને, પ્રત્યાહારથી ઇન્દ્રિયોને વશમાં કરી, ચિત્તને શુભ આશ્રયમાં સ્થિર કરવું.” (વિ.પુ. ૬.૭.૪૫).
હિરણ્યગર્ભ, ઈન્દ્ર, પ્રજાપતિ વગેરે બાહ્ય શુભાશ્રયો છે. આ વિષે પણ પુરાણ વચન છે - “બીજા બધા આશ્રયોની સ્પૃહા રાખ્યા વિના ચિત્તને ભગવાનના સાકાર સ્વરૂપમાં ધારણાથી સ્થિર કરવું. હે નરાધિપ, શ્રી હરિના ચિંતન કરવા યોગ્ય સ્વરૂપને સાંભળો. કારણ કે આધારવિના ધારણા શક્ય નથી. પ્રસન્ન મુખવાળા, સુંદર કમળપત્ર જેવાં નેત્રવાળા, સુચારુ ગાલવાળા, વિસ્તૃત લલાટને કારણે ઉજ્વળ જણાતા, સમાન આકારના કાનોમાં ઉત્તમ કુંડળોવાળા, શંખ જેવી ગ્રીવાવાળા, વિશાળ શ્રીવત્સલાંછિત વક્ષસ્થળવાળા, નિમ્નનાભિ અને વલિયુક્ત ઉદરવાળા, લાંબા આઠ અથવા ચાર હાથવાળા, એકસરખી સાથળ અને જાંઘવાળા, ચરણો પર કમળ જેવા હાથ રાખીને સ્વસ્તિકાસનમાં બેઠેલા, શુદ્ધ પીળા વસ્ત્રવાળા, કિરીટ, કેયૂર, કંગન વગેરે અલંકારોથી વિભૂષિત, તેમજ હાથોમાં શાર્ગ, ચક્ર, ગદા, ખગ, શંખ અને અક્ષમાળા ધારણ કરતા, બ્રહ્મસ્વરૂપ ભગવાન વિષ્ણુનું, પોતાના મનને સમાહિત અને તન્મય બનાવીને, યોગીએ ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ, જ્યાં સુધી એમાં ધારણા દઢ ન થાય. આમ ધ્યાન કરતાં અથવા સ્વેચ્છાથી બીજું કાર્ય કરતાં પણ યોગીનું ચિત્ત બીજે ન જાય, ત્યારે ધારણા સ્થિર થઈ છે, એમ જાણવું જોઈએ. (વિ.પુ.૬.૭.૭૭-૮૫) ૧.
तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥२॥ એમાં વૃત્તિની એકાગ્રતા ધ્યાન છે. ર
भाष्य
तस्मिन्देशे ध्येयालम्बनस्य प्रत्ययस्यैकतानता सदृशः प्रवाहः प्रत्ययान्तरेणापरामृष्टो ध्यानम् ॥२॥
ધ્યેયના અવલંબનરૂપ એ સ્થાનમાં વૃત્તિની એકતાનતા, એટલે અન્ય વૃત્તિઓના સંબંધ વિના, એકસરખો પ્રવાહ, ધ્યાન છે. ૨