Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ.૨૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૨૩૭
તેથી એની સમાધિ છૂટી ગઈ અને એનું મન એમાં આસક્ત થયું. આ માટે રાંધવા યોગ્ય ચોખા વગેરે માટે અગ્નિનો દાખલો આપે છે. અગ્નિ ચોખાના કઠણ અવયવોને શિથિલ બનાવવાનું વિકારકારણ છે. હયાત વિષયના જ્ઞાનનું કારણ પ્રત્યયકારણ છે. અગ્નિ જણાય એને અગ્નિજ્ઞાન કહે છે. આશય એ છે કે હયાત એવા જ્ઞેય અગ્નિનું પ્રત્યયકારણ ધુમાડામાં છે. પ્રાપ્તિકારણ કહે છે. કારણ સ્વાભાવિક રીતે નિરપેક્ષપણે કાર્ય બને એ પ્રાપ્તિ છે. કોઈવાર, કારણસર એમ ન બને એવા અપવાદોમાં અપ્રાપ્તિ છે. જેમ નીચે વહેવાના સ્વભાવવાળા પાણીને, બંધ બાંધીને રોકવામાં આવે છે. એમ અહીં પણ સુખ અને પ્રકાશ સ્વભાવના બુદ્ધિસત્ત્વની સુખ અને વિવેકખ્યાતિ ઉત્પન્ન કરવી એ સ્વાભાવિક પ્રાપ્તિ છે. પણ કોઈવાર અધર્મથી અથવા તમોગુણના પ્રતિબંધથી એમ બનતું નથી. ધર્મથી કે યોગનાં અંગોના અનુષ્ઠાનથી એ પ્રતિબંધ દૂર કરવામાં આવતાં, પોતાની સાહજિક પ્રવૃત્તિ આડે આવતાં વિઘ્નો દૂર થતાં, એમને (સુખ અને વિવેકને) ઉત્પન્ન કરે એ એની પ્રાપ્તિ કહેવાય. આ વાત આગળ કહેવામાં આવશે :- “પ્રકૃતિઓમાં નિમિત્ત અપ્રયોજક છે. પ્રતિબંધ તૂટતાં પ્રકૃતિ, ખેડૂતની જેમ, સહજભાવે પોતાનું કાર્ય કરે છે,” (યોગસૂત્ર, ૪.૩) વિવેકખ્યાતિરૂપ કાર્યની અપેક્ષાએ (યોગને) પ્રાપ્તિકારણ કહ્યું. અવાન્તર (ગૌણ) કાર્યની અપેક્ષાએ “વિયોગકારણમ્” વગેરેથી એ જ (યોગ) અશુદ્ધિનું વિયોગકારણ પણ બને છે, એમ કહ્યું. “અન્યત્વકારણમ્' વગેરેથી અન્યત્વકારણ વર્ણવે છે. કંગન, કુંડલ, અને કેયૂર (બાજુબંધ) વગેરે આભૂષણોથી સોનું ભિન્ન અને અભિન્ન છે. ભેદ અને અભેદ કહેવાની ઇચ્છા મુજબ થાય છે. આમ સોનું કુંડળથી અન્ય છે. સોની કુંડળથી અભિન્ન સોના વડે અન્ય આકાર (કંગન) બનાવે છે. તેથી સોની સોનાનું અન્યત્વકારણ છે.
અગ્નિ રાંધવામાં આવતા પદાર્થોમાં અન્યત્વનું કારણ છે, છતાં અગાઉ એને વિકારકારણ કહ્યું, કારણ કે ત્યાં રાંધેલા અને કાચા ચોખાનો ભેદ એક ધર્મીના ધર્મો તરીકે કહેવાની ઇચ્છા નથી. એ બંને ધર્મો ઉત્પન્ન અને નષ્ટ થાય છે, છતાં ધર્મી એક જ રહે છે. તેથી એનું અન્યત્વ કહી શકાતું નથી. આ કારણે અગ્નિને વિકારકારણ કહ્યું. આમ બંને દાખલાઓ જુદા છે. વળી ધર્મીમાં થતો આકારભેદ અન્યત્વકારણ નથી. નહીં તો સોનીનું ગ્રહણ અસંગત થશે.
બહારના પદાર્થોમાં અન્યત્વકારણ કહીને, “એવમેકસ્ય સ્રીપ્રત્યયસ્ય’ વગેરેથી આધ્યાત્મિક અન્યત્વકારણ કહે છે. આ કન્યા કમનીય છે, વગેરે જ્ઞાન અવિઘા છે. સંમોહને લીધે ચૈત્રમાં એ સ્ત્રીજ્ઞાન મૂઢતા કે વિષાદનું કારણ છે. એ વિચારે છે કે પુણ્યવાન મૈત્રની એ રત્નજેવી પત્ની છે, ભાગ્યહીન એવા મારી