Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૧૯૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૮
વિના પોતાના સમૂહમાંથી એકની વૃત્તિનું અનુવર્તન કરતા હોવાથી, જે કોઈ ગુણ પ્રબળ હોય એને પ્રધાન (મુખ્ય) એવું નામ આપવામાં આવે છે. આને દશ્ય કહેવાય છે.
આ દશ્ય મહાભૂત અને ઇન્દ્રિયસ્વરૂપ હોવાથી, પૃથ્વી વગેરે સૂક્ષ્મ અને સ્થૂલ ભૂતોરૂપે પરિણમે છે, અને સૂક્ષ્મ તેમજ સ્થૂલ શ્રોત્ર (કાન) વગેરે ઇન્દ્રિયોરૂપે પરિણમે છે. દશ્યરૂપ પ્રકૃતિની પ્રવૃત્તિ પ્રયોજન વગરની નથી. પણ પુરુષના ભોગ અને મોક્ષરૂપ પ્રયોજનનો સ્વીકાર કરીને પ્રવર્તે છે. એમાં પુરુષ પોતાને બુદ્ધિસાથે એકરૂપ માનીને ઇષ્ટ (સુખ) અને અનિષ્ટ (દુઃખ) એ ગુણોનાં સ્વરૂપ હોવા છતાં પોતાની અંદર માની લે એ ભોગ છે. અને ભોક્તા (આત્મા)ના સ્વરૂપનો નિશ્ચય મોક્ષ છે.
આ બે પુરુષના ભોગ-મોક્ષ)થી જુદું, બીજું કોઈ દર્શન (જ્ઞાન) નથી. આ વિષે કહ્યું પણ છે - “મનુષ્ય ત્રણ ગુણોને કર્તા અને એમનાથી અસમાન છતાં સમાન જણાતા (ત્રણ ગુણોની અપેક્ષાએ) ચોથા પુરુષ (આત્મા)ને અકર્તા અને એમની ક્રિયાઓના સાક્ષી તરીકે જાણે, તેમજ એ સાક્ષી પુરુષ માટે બુદ્ધિ વડે નિવેદન કરાતા બધા યોગ્ય ભાવોને જાણે, તો આનાથી ઊંચા કોઈ બીજા જ્ઞાનની શંકા કરતો નથી.”
બુદ્ધિએ કરેલા અને બુદ્ધિમાં જ રહેતા આ બે ભોગ અને મોક્ષને પુરુષમાં રહેલા શાથી કહેવામાં આવે છે? જેમ જય અને પરાજય યોદ્ધાઓમાં રહેલા હોવા છતાં સ્વામી (રાજા)માં રહેલા કહેવામાં આવે છે, કારણ કે એ એમના ફળને ભોગવનાર છે, એમ બંધ અને મોક્ષ બુદ્ધિમાં જ રહેલા હોવા છતાં, એના ફળના ભોક્તા પુરુષમાં રહેલા કહેવાય છે. પુરુષાર્થની સમાપ્તિ (સિદ્ધિ) મોક્ષ છે. આનાથી ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, તત્ત્વજ્ઞાન, અને અભિનિવેશ બુદ્ધિમાં રહેલા છે, છતાં પણ એમના અસ્તિત્વનું આરોપણ પુરુષમાં કરવામાં આવે છે, કારણ કે એ એમના ફળનો ભોક્તા છે. ૧૮
तत्त्व वैशारदी प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम् । व्याचष्टे