Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪
“અવિઘા ક્ષેત્રમુત્તરેષામ્” વગેરે સૂત્રથી ત્યાગ કરવા યોગ્ય ક્લેશોનું મૂળ અવિદ્યા છે, એમ દર્શાવે છે. એમની પ્રસુપ્તિ શું છે ? પૂછનારનો અભિપ્રાય એવો છે કે પોતાને યોગ્ય કાર્ય ન કરતા ક્લેશોના અસ્તિત્વમાં પ્રમાણ નથી. “ચેતસિ શક્તિમાત્ર પ્રતિષ્ઠિતાનામ્...' વગેરેથી ઉત્તર કહે છે કે ભલે વિદેહ અને પ્રકૃતિલય યોગીઓના ક્લેશો કાર્ય ન કરતા હોય, પરંતુ બીજભાવને પ્રાપ્ત થયેલા એ દૂધમાં દહીંની જેમ શક્તિમાત્ર રૂપે હયાત છે. વિવેકખ્યાતિ વિનાના વિદેહ અને પ્રકૃતિલયો, પોતાના અવધિકાળ પર્યંત પ્રસુપ્તક્લેશવાળા રહે છે. એનો (અધિનો) અંત આવતાં ફરીથી પ્રગટ થઈને એ ક્લેશો તે તે વિષયોમાં સંમુખ બનીને ઉપસ્થિત થાય છે. શક્તિમાત્ર રૂપે પ્રતિષ્ઠિત હોય છે, એમ કહીને એમની ઉત્પત્તિશક્તિ દર્શાવી. બીજ ભાવની પ્રાપ્તિ એટલે કાર્યશક્તિ.
૧૪૨]
વિવેકખ્યાતિવાળા યોગીમાં પણ ક્લેશો પ્રસુપ્ત છે, એમ શાથી ન કહેવાય ? એના જવાબમાં “પ્રસંખ્યાનવતઃ...' વગેરેથી કહે છે કે પ્રસંખ્યાન યુક્ત યોગીના ક્લેશો બળેલા બીજ જેવા થયા હોવાથી આલંબન (વિષય) સંમુખ હોય તો પણ પ્રગટ થતા નથી. આવો યોગી “ચરમદેહ” છે, એને બીજો દેહ ઉત્પન્ન નહીં થાય, જેની અપેક્ષાએ વર્તમાન દેહને પૂર્વ કહી શકાય. આ દગ્ધબીજ અવસ્થા પ્રસંખ્યાનવાળા યોગીમાં જ હોય છે, અન્યત્ર નહીં, એટલે વિદેહ વગેરેમાં નહીં, એવો અર્થ છે.
પણ સત્-હયાત-વસ્તુનો અત્યંત વિનાશ નથી, તો એના (યોગના) બળે (એ નષ્ટ ન થયા હોવાથી) વિષય સંમુખ આવે તો પણ ક્લેશો કેમ પ્રગટતા નથી ? એના જવાબમાં “સતાં ક્લેશાનાં તદા બીજસામર્થ્ય દર્...” વગેરેથી કહે છે કે ભલે ક્લેશોનું અસ્તિત્વ હોય, પણ એમનો બીજભાવ પ્રસંખ્યાન (વિવેકખ્યાતિ) વડે બાળી નાખવામાં આવ્યો છે, એવો અર્થ છે.
ક્રિયાયોગ ક્લેશોનો વિરોધી છે. એની ભાવના એટલે અનુષ્ઠાન. એનાથી હણાયેલા ક્લેશો ઓછા થાય છે. અથવા સમ્યજ્ઞાન અવિદ્યાનું વિરોધી છે, (સત્ત્વ અને પુરુષના) ભેદનું દર્શન અસ્મિતાનું, માધ્યસ્થ્ય (તટસ્થપણું) રાગદ્વેષનું અને (દેહ) સંબંધ બુદ્ધિની નિવૃત્તિ અભિનિવેશની વિરોધી છે. “તથા...” વગેરેથી વિચ્છિત્તિવિષે કહે છે. ક્લેશોમાંના કાર્યરત એવા એકથી દબાયેલો બીજો વિચ્છિન્ન કહેવાય. અથવા વાજીકરણ વગેરેના ઉપયોગના કારણે અથવા એને દબાવતા બીજા ક્લેશની દુર્બળતાથી અત્યંત વિષયસેવનથી છેદાઈ છેદાઈને ફરી પાછો એના એ સ્વરૂપે પ્રગટ થઈ કાર્ય કરે છે. વીપ્સા (બે વાર વિચ્છિઘ વિચ્છિઘ એમ કહેવા)થી વિચ્છેદ અને કાર્યશીલતા વારંવાર આવ્યા જ કરે છે એમ દર્શાવીને અગાઉ કહેલા