________________
ઉદ્ધાર કર્યો હતો. તીર્થંકર મહાવીરે મુનિ મેઘકુમારની અવઢવ દૂર કરી હતી અને તે માટે જે શ્લોકો રજૂ કર્યા તે “સંબોધિ' તરીકે ઓળખાયા, ભગવાન કૃષ્ણ મહાભારતના સંગ્રામ વખતે અર્જુનની અવઢવ દૂર કરી હતી અને તે માટે જે શ્લોકો રજૂ કર્યા તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયા. આવા અનેક પ્રસંગોમાં સામ્ય જોવા મળે છે. આ સામ્ય સ્વાભાવિક હશે કે પ્રયોજનપૂર્વક હશે ?
અલબત્ત મહાવીર સંયમમાર્ગના પુરસ્કર્તા રહ્યા છે, જ્યારે કૃષ્ણના વ્યક્તિત્વમાં રસિકતા જોવા મળે છે. મહાવીર સાધક હતા, કૃષ્ણ કર્મયોગી હતા. અલબત્ત, “તે બન્નેમાં અપ્રમાદ તો કેન્દ્રમાં જ છે. શાશ્વતના શિખર ઉપર પહોંચવા માટેના જાણે એ બન્ને કોઈ નિરાળા પથદર્શકો હોય એમ આપણને લાગે છે.
મહાવીરનું જીવન અનેક જીવોના કલ્યાણનું નિમિત્ત બન્યું છે. કલ્ય એટલે રોગ અને આણ એટલે ટાળવું (દૂર કરવું). ભવરોગ ટાળે તે કલ્યાણ. કલ્યાણ અને માંગલ્ય એક જ સિક્કાની બે બાજુઓ છે. જગતના પ્રત્યેક જીવનું કલ્યાણ કરીને તેને માંગલ્યની ઉપલબ્ધિ કરાવવાનું ધ્યેય મહાવીરનું હતું. પ્રત્યેક તીર્થકર આવા પરમ ધ્યેયના પુરસ્કર્તા હોય છે. એટલે જ જૈન ધર્મમાં કોઈ પણ તીર્થંકરની જન્મતિથિને “જન્મજયંતી તરીકે નહિ, પરંતુ “જન્મકલ્યાણક' તરીકે ઓળખવાની આગવી પરંપરા છે.
અનેક ઉપસર્ગો શાંત અને સ્વસ્થ ચિત્તે સહન કરીને તીર્થકર મહાવીરે જગતને સમતાનો બોધ આપ્યો. દ્વેષ કરનાર પ્રત્યે પણ લેશમાત્ર કટુતા વ્યક્ત ન કરીને તેમણે મૈત્રીનો મંત્ર જગતને આપ્યો. “શત્રુને પણ માફ કરો” આવું તો અનેક મહાત્માઓએ આપણને શીખવ્યું હતું પરંતુ સર્વ જીવો મારા મિત્રો જ છે આ વાત માત્ર મહાવીરે જ આપણને સમજાવી છે. શત્રુને શત્રુ તરીકે સ્વીકારવો અને એને માફ કરવો એ વિરોધાભાસી વાત છે. કોઈને શત્રુ માનવો જ નહિ, સર્વ જીવો મારા મિત્ર છે એમ સમજવું એ અદ્દભુત વાત છે.
મહાવીરે સૌથી મોટી વાત તો અનેકાન્ત વિશે કરી છે. અનેકાન્ત એટલે સત્યને પામવાની ખુલ્લી સમજ. વિરોધી વ્યક્તિની વાત પણ સત્ય હોઈ શકે, બીજાની વાત પણ સત્ય હોઈ શકે, એવી નમ્ર-નિખાલસ સમજણ કેળવ્યા પછી જ આપણે મહાવીરના અનુયાયી બની શકીએ.
મહાવીર એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો સુગંધિત ચમત્કાર !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org