________________
સંવત્સરીના દિવસ સિવાય પણ આપણે ક્ષમાપના કરીએ તો શું ખોટું? લોકોને જન્મદિવસ ઊજવવાની આદત છે. આખો જન્મારો વૈતરું કૂટવું, દુવૃત્તિઓને બહેકવા દેવી અને પછી કોઈ એક ફિક્સ દિવસે ભક્તિ કરીને ધન્ય ધન્ય થઈ જવાનું તો કોઈ મહાદંભીને જ પરવડે !
જીવનની પ્રત્યેક પળ પર્વ બની રહે, તેવું પવિત્ર જીવન જીવવું એ જ ધર્મ છે. કોઈને છેતરવાનો કે કોઈને નડવાનો વિચાર પણ મનમાં ના જાગે એ જ સાચું અધ્યાત્મ છે. આપણને મૂર્તિ તો મળે છે, પણ ભગવાન નથી મળતા. પર્યુષણનાં પાંચ કર્તવ્યોને પર્યુષણના દિવસોમાં જ આપણે યાદ કરીએ અને બાકીના દિવસોમાં તે કર્તવ્યોને જીવનમાંથી બાદ કરીએ તો એ નર્યો આડંબર જ કહેવાય.
આપણી ભક્તિ સહજ નથી, એટલે એમાં ઉધામા તો બહુ હોય છે પણ પ્રસન્નતા નથી હોતી. કોઈ સાધુ નિરાંતે વિચારવા તૈયાર નથી કે હવે નવાં નવાં તીર્થોના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવાની શી જરૂર છે? કોઈ આચાર્ય પોતાના સામૈયા-વરઘોડા પાછળ શ્રાવકોના રૂપિયા નહિ વેડફવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર નથી ! સંયમની ચાદર હેઠળ ઢંકાયેલો મોહ ભારે વિકરાળ અને વિકૃત હોય છે.
સહજ રીતે પોતાનાં કર્તવ્યો પ્રત્યે નિષ્ઠાબદ્ધ રહેવું... ભય અને લાલચ વગર શુદ્ધતમ જીવન જીવવા સંકલ્પબદ્ધ રહેવું... અને વેવલાઈથી વેગળા રહેવા કટિબદ્ધ બનવું... આટલું થઈ જાય તો મોક્ષ ક્યાં છેટે છે ?
ભગવાન મહાવીરના નામે જૈનોની એકતા થાય એ માટે આજીવન મથામણ કરવા કોઈ સાધુ તૈયાર છે ખરા ? મતભેદો ભલે ચાલ્યા કરે, મનભેદો ટાળવા કોઈ સાધુ તૈયાર તૈયાર છે ખરા? નવાં તીર્થો બનાવીને જયજયકાર કરાવનારા સાધુઓનો ઉત્સાહ જૈનોની એકતા બાબતે કેમ ઠંડો પડી જાય છે ?
મહાવીરના સિદ્ધાંતોની વાતો કરવી અને અંગત ગેરસમજોને પંપાળ્યા કરવી. આ રીતે જૈનશાસન જયવંતું રહી શકશે ખરું?
મહાવીરનો અનુયાયી અને અનેકાન્તનો ઉપાસક હોય તેવા જૈનને જૈનોની એકતાથી ઓછું કશુંય ખપે જ નહિ !
ભાભા ના અમારા મહાવીર, તારા મહાવીર 109
- રાજ રાજકીય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org