________________
મોહને (શ્રી કૃષ્ણ) એક વખત પોતાના હાથની માત્ર ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો હતો. આ તરફ મહાવીરે પણ પોતાના જન્માભિષેક દરમ્યાન પોતાના જમણા પગના અંગૂઠા વડે મેરુપર્વતને દબાવી દઈને સમગ્ર લોકને પ્રકંપિત કરી દીધું હતું ! મોહન અને મહાવીરના સામર્થ્યને પ્રગટ કરવા માટે બંનેના જીવનમાં આ પહાડ-ઘટનાઓ ગૂંથી લેવાયેલી જોવા મળે છે.
શ્રી કૃષ્ણ બાળમિત્રો સાથે ગેડીદડો રમતા હતા. એ વખતે દડો યમુના નદીમાં રહેતા ભયંકર વિષધર કાળીનાગ પાસે જાય છે. કૃષ્ણ દડો લેવા યમુના નદીમાં જાય છે અને કાળીનાગને નાથે છે. આ તરફ મહાવીર પણ બાળસખાઓ સાથે આમલી-પીપળી રમતા હતા ત્યાં ઓચિંતો સાપ આવી ચડતાં અન્ય બાળસખાઓ ડરીને નાસી જાય છે. મહાવીર એ સાપને ઊંચકીને દૂર મૂકી આવે છે. અલબત્ત, મુખ્ય સમાનતા તો એ છે કે, કૃષ્ણે કાળીનાગને નાથીને પોતાનો વિજય કર્યો હતો તો મહાવીરે ચંડકૌશિક નાગને ક્ષમા દ્વારા શાંત કરીને પોતાનો વિજય મેળવ્યો હતો. બંનેના જીવનમાં ભયાનક સાપ સાથેના વિજયની ઘટના છે.
કૃષ્ણએ કુબ્બા નામની એક ઉપેક્ષિત સ્ત્રીનો ઉદ્ધાર કર્યો હતો... મહાવીરે પણ ચંદનબાળા નામની કન્યાનો ઉદ્ધાર કર્યો હતો. ચંદનબાળાને પોતાની પ્રથમ સ્ત્રીશિષ્યા બનાવી હતી.
કૃષ્ણને બાળપણથી પુતના જેવી રાક્ષસી શક્તિઓ અને રાક્ષસો સામે લડવું પડ્યું હતું તો મહાવીરને પણ સંગમ જેવા વ્યંતર દેવોએ આચરેલા અનેક ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. આમ તે બંનેના જીવનમાં નારી ઉદ્ધારની તથા અનિષ્ટો સામેના સંઘર્ષની ઘટનાઓ જોવા મળે છે.
મહાભારતના સંગ્રામમાં અર્જુન હતાશ થઈ જાય છે ત્યારે તેને કર્તવ્યબોધનું જ્ઞાન આપીને શ્રીકૃષ્ણ પ્રેરણા-પ્રોત્સાહન આપે છે અને એ માટેના શ્લોકો ભગવદ્ ગીતા બને છે. એ જ રીતે સંયમમાર્ગે પદાર્પણ કર્યા પછી મુનિ મેઘકુમારનું મન પણ ડામાડોળ થાય છે ત્યારે મહાવીર તેને ધર્મબોધનું જ્ઞાન આપીને પુનઃ સંયમમાર્ગે સ્થિર કરે છે. મહાવીરે આપેલા ધર્મબોધના શ્લોકો “સંબોધિ તરીકે પ્રચલિત છે.
મોહન અને મહાવીરના જીવનની આ સમાન ઘટનાઓ આકસ્મિક જ હશે કે પછી એમાં કવિકલ્પનાની રંગોળીઓ હશે ? જે હોય તે, પરંતુ એક કર્મવીર અને બીજા ધર્મવીરના જીવનની ઘટનાઓ આકર્ષક અને પ્રેરક તો છે જ.
જા" મારા મહાવીર, તારા મહાવીર A
13
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org