________________
મહાવીરે પ્રબોધેલા મુખ્ય ત્રણ સિદ્ધાંતોની સંક્ષેપમાં ચર્ચા કરીએ. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત, આ ત્રણ તેમના મુખ્ય સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો ગઈકાલે પણ યથાર્થ હતા, આવતીકાલે પણ યથાર્થ રહેશે. આજે તો તે સિદ્ધાંતોની યથાર્થતા સૌથી વધુ છે. માત્ર ભારતમાં જ નહિ, જગતના તમામ દેશોમાં આ ત્રણ સિદ્ધાંતો શાશ્વત સ્વરૂપે યથાર્થ બની રહેશે.
હિંસાના શિખર ઉપર બેઠેલો આજનો માણસ દુઃખી છે. હિંસા કદીય સુખ આપી શકે નહિ, હિંસા કદીયે કોઈ સમસ્યાનું સમાધાન બની શકે નહિ. લોહીના ડાઘ લોહી વડે ધોઈ શકાય ખરા ? હિંસા અને પ્રતિહિંસાનું ચક્ર ચાલ્યા જ કરે તો એનો અંત શો આવે ? જો આપણે હિંસા ઉપર વિશ્વાસ મૂકીને ચાલ્યા કરીએ તો એક ક્ષણ એવી આવે કે જગતમાં કોઈ પણ જીવનું અસ્તિત્વ જ નહિ રહે. સર્વનાશ પછી તો આપણે અહિંસા તરફ વળવું જ પડશે. કોઈ જીવ બચ્યો જ નહિ હોય ત્યારે કોણ કોની હિંસા કરશે ? પછી તો હિંસાનું કોઈ પ્રયોજન પણ નહિ રહે ! એના કરતાં માણસ સમજણ કેળવે, સહૃદયતા બતાવે અને સંવેદનશીલતા ટકાવી રાખે તો એમાં સુખ અવશ્ય છે. અહિંસા વગર સુખ અને શાંતિ કદીયે કોઈને મળ્યાં નથી અને મળી શકે તેમ પણ નથી.
આજે માણસ ધર્મ અને કોમવાદના નામે ઝનૂની બન્યો છે. ધર્મ તો શાંતિ અને સમાધાન આપે. ધર્મ તો પ્રેમ અને પવિત્રતા આપે. તેને બદલે આજે માણસ વૈર અને અહિંસાના માર્ગે - અધર્મના માર્ગે સુખ-શાંતિ શોધવા હવાતિયાં મારી રહ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવો અને જીવવા દો. તમારે સુખેથી જીવવું હોય તો બીજાને સુખેથી જીવવા દો. બીજાને મારશો તો તમે સલામત નહિ જ રહો. હિંસા ઉપર વિજય મેળવવા માટે પણ અહિંસા જ આચરણમાં મૂકો. આપણે જો અંગ્રેજો પાસેથી હિંસાના માર્ગે આઝાદી મેળવવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ એમની સામે પરાજય પામ્યા હોત. મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે આઝાદી મેળવીને સમગ્ર વિશ્વને અહિંસાની તાકાતનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. જે દેશદ્રોહી છે, આતતાયી છે તેવા લોકોની સામે પણ હિંસા આચરવાની જરૂર નથી. ગાંધીજીએ અસહકારની લડત કરી હતી, એમ આપણે પણ એવા આતતાયીઓ સામે સો ટચની અસહકારની લડત લડીને સો ટકા વિજયી બની શકીશું.
માસ મહાવીર, તાસ મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org