Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આમ આગમ સાહિત્યના આધારે પછીના સમયમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં વિવેચનરૂપે અનેક ગ્રંથો લખાયા છે. તેની સાથે સાથે સર્જનાત્મક અને સૈદ્ધાંતિક સાહિત્ય પણ લખાયું છે. હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્યજી વગેરે વિદ્વાન આચાર્યોએ સંસ્કૃતમાં તેમ જ પ્રાકૃતમાં અલભ્ય રચનાઓ કરી છે. તેમ જ કેટલાક તત્ત્વચિંતકોએ વિવિધ વિષયોમાં વિપુલ સાહિત્યનું સર્જન કરી મહત્ત્વનું યોગદાન આપીને જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આગમ સંરક્ષણ
જ્યારે લખવાની પરંપરા ન હતી, લખવાનાં સાધનોનો વિકાસ પણ ઓછો હતો, ત્યારે આગમોને સ્મૃતિના આધાર પર અથવા ગુરુ પરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. એટલા માટે જ આગમ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ શ્રુતિ પરંપરા પર જ આધારિત રહ્યું. ત્યાર પછી
સ્મૃતિ દૌર્બલ્યથી ભુલાઈ જવાના કારણે અને ગુરુ પરંપરાનો વિચ્છેદ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું. મહાસરોવરનું પાણી સુકાતાં સુકાતાં ગોષ્પદ (ખાબોચિયું) માત્ર રહી ગયું. મુમુક્ષુ શ્રમણોને માટે જ્યાં આ ચિંતાનો વિષય હતો, ત્યાં ચિંતનની તત્પરતા તેમ જ જાગરૂકતાને પડકાર પણ હતો.
શ્રુતજ્ઞાન નિધિના સંરક્ષણ હેતુથી મહાન મૃતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે” ત્યારે વિદ્વાન શ્રમણોનું એક સમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી ભુલાઈ રહેલાં આગમ જ્ઞાનને સુરક્ષિત રાખવાનું આહ્વાન કર્યું. સર્વ સમ્મતિથી આગમોને લિપિબદ્ધ કરાયાં. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની સમગ્ર જ્ઞાનપિપાસુ પ્રજાને માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થયો.
સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ ધારાને પ્રવાહમાન રાખવાનો આ ઉપક્રમ વીર નિર્વાણના ૯૮૦થી ૯૩ વર્ષ સુધીમાં પ્રાચીન નગરી વલભી (સૌરાષ્ટ્ર)માં આચાર્ય “દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ’ના નેતૃત્વમાં સંપન્ન થયો. જો કે આગમોની વાચના તેના પહેલાં પણ થઈ હતી. પરંતુ લિપિબદ્ધ કરવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ હતો. આજે પ્રાપ્ત જૈન સૂત્રોની મૌખિક પરંપરાનું અંતિમ સંસ્કરણ આ વાચનમાં સંપન્ન થયું હતું.
પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળ રૂપમાં તો સુરક્ષિત થઈ ગયું છે પરંતુ કાલદોષ, ઍમણ-સંઘોના આંતરિક મતભેદો, પ્રમાદ તેમ જ ભારત ભૂમિ પર બહારના વિદેશીઓનાં આક્રમણોનાં કારણે વિપુલ જ્ઞાનભંડારોનો નાશ વગેરે અનેકાનેક કારણોથી આગમ જ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક ગુરુ પરંપરા ધીરે ધીરે ક્ષીણ અને વિલુપ્ત થવાથી જળવાઈ નહીં. આગમોનાં અનેક મહત્ત્વપૂર્ણ પદ, સંદર્ભ તથા તેના ગૂઢાર્થનું જ્ઞાન છિન્ન-વિછિન્ન થતું ચાલ્યું ગયું, પરિપક્વ ભાષાજ્ઞાનના અભાવમાં જે આગમ હાથથી લખાતાં હતાં, તે પણ શુદ્ધ પાઠવાળાં ન હતાં. તેના સમ્યક અર્થનું જ્ઞાન દેવાવાળા ભાગ્યે મળતા. આ રીતે અનેક કારણોથી આગમની પાવન ધારા મંદ પડી ગઈ.