________________
૮૯૮
બાવીસ પરીષહો કોઈકને અજ્ઞાનને લીધે સમ્યકત્વમાં પણ શંકા થાય. તેથી હવે સમ્યકત્વપરીષહ કહે છે.
શરીર ચાર ભૂતોથી બનેલું છે. તે અહીં જ પડી જાય છે. ભૂત સિવાય આત્મા પ્રત્યક્ષ દેખાતો ન હોવાથી ચૈતન્ય એ ભૂતનો ધર્મ છે. તેથી પરલોક નથી. આમાઁષધિ વગેરે ઋદ્ધિ પણ દેખાતી ન હોવાથી તપસ્વીની ઋદ્ધિઓ પણ નથી. ઋદ્ધિઓ – “સાધુઓ પગની રજથી બધા રોગોને શાંત કરે. ઘાસના અગ્રભાગથી ત્રણ ભુવનને વિસ્મિત કરનાર કામો આપે. ધર્મથી રત્ન મિશ્રિત સોનાના વરસાદ વગેરેને સર્જવાનું સામર્થ્ય મળે છે અને ભયંકર, મોટી હજારો શિલાઓને પાડવાની અદ્દભુત શક્તિ મળે છે.” વગેરે છે. અથવા મુંડન - ઉપવાસ વગેરે યાતના સ્વરૂપ ધર્માનુષ્ઠાન વડે હું ભોગોથી વંચિત રહ્યો. કહ્યું છે કે, “તપો એ વિચિત્ર યાતનાઓ છે, સંયમ એ ભોગોની વંચના છે. આવું બધું નકામું હોવાથી સાધુ ન વિચારે. (૪૪)
કર્મો અને ગુણસ્થાનોમાં પરીષહોનો સમવતાર ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનની નિર્યુક્તિમાં અને વૃત્તિમાં આ પ્રમાણે કહ્યો છે –
‘તેમાં પ્રકૃતિઓનું ભિન્નપણું કહે છે –
જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મોમાં બાવીસ પરીષદો થાય છે. (૭૩)
આનાથી પ્રકૃતિનો ભેદ કહ્યો. હવે જેનો જેમાં અવતાર થાય છે તે કહે છે –
પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો જ્ઞાનાવરણકર્મમાં થાય છે, કેમકે જ્ઞાનાવરણકર્મના ઉદય અને ક્ષયોપશમથી તે થાય છે. અલાભ પરીષહ અંતરાયકર્મમાં થાય છે, કેમકે અંતરકાયકર્મના ઉદયથી અલાભ થાય છે. (૭૪)
મોહનીય કર્મના બે ભેદ છે. એટલે તેના જે ભેદમાં અને વેદનીયમાં જે પરીષહનો અવતાર થાય તે કહે છે –
અરતિ, અચલ, સ્ત્રી, નૈષેધિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર આ સાત પરીષહો ચારિત્રમોહનીયમાં થાય છે, કેમકે ચારિત્રમોહનીયના ઉદયથી તે થાય છે. (૭૫)
ચારિત્રમોહનીય પણ ઘણા ભેદવાળું હોવાથી તેના જે ભેદના ઉદયથી જે પરીષહ થાય છે. તે કહે છે –
તે સાત પરીષહો ક્રમશઃ અરતિમોહનીય, જુગુપ્સામોહનીય, પુરુષવેદ, ભય, માન, ક્રોધ, લોભ ના ઉદયથી થાય છે. (૭૬)