________________
૧૧૦૮
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ ૩. માતાનો વંશ તે જાતિ. જાતિવાન હોય તે વિનયાદિ ગુણ યુક્ત હોય છે.
૪. રૂપવાન લોકોના ગુણવિષયક બહુમાનને પામે છે. કહ્યું છે કે, “જેવી આકૃતિ હોય તેવા ગુણો હોય છે. એ કહેવત મુજબ કુરૂપ વ્યક્તિ આદેય નથી બનતો.”
૫. સંઘયણવાન હોય, જેથી વિશિષ્ટ શરીરબલ દ્વારા વ્યાખ્યાન કરવામાં થાકે નહીં.
૬. ધૃતિવાન એટલે વિશિષ્ટ માનસિક સ્થિરતાવાન. તે અતિગહન પદાર્થોમાં પણ ભ્રમ (મુંઝવણ) ન પામે.
૭. અનાશસી એટલે શ્રોતા વગેરે પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા વગરનો.
૮. અવિકલ્થનઃ અતિ બોલનાર નહીં અથવા કોઈના નાના-થોડા અપરાધમાં વારંવાર બોલે નહિ.
૯. શઠતા રહિત-અમાયાવી.
૧૦. સ્થિર પરિપાટી એટલે સતત અભ્યાસથી અનુયોગની પરિપાટીને એવી સ્થિર કરી હોય, કે જેથી જરાપણ સૂત્ર કે અર્થ ભૂલાય નહીં, તે સ્થિરપરિપાટી.
૧૧. ગૃહીતવાક્ય એટલે ઉપાદેયવચની. એમનું થોડું વચન પણ મહાર્થ જેવું લાગે. ૧૨. જિતપર્ષદ એટલે મોટી સભામાં પણ ક્ષોભ ન પામે.
૧૩. જિતનિદ્ર એટલે અલ્પ નિદ્રાવાન. તે રાત્રે સૂત્ર અને અર્થની વિચારણા કરતી વખતે નિદ્રાથી બાધિત ન થાય.
૧૪. મધ્યસ્થ એટલે બધા શિષ્યો પર સમભાવવાળા.
૧૫-૧૬-૧૭-દેશ, કાળ અને ભાવને જાણનાર. તે તે લોકોના દેશ, કાળ અને ભાવ જાણીને સુખેથી વિચારી શકે અથવા શિષ્યોના ભાવ જાણીને તેને તે રીતે સુખેથી પ્રવર્તાવે.
૧૮. આસગ્નલબ્ધપ્રતિભાવાન એટલે કર્મના ક્ષયોપશમથી તત્કાલ પરતીર્થિકના પ્રશ્નોના જવાબ આપવામાં સમર્થ હોય, તે આસગ્નલબ્ધપ્રતિભાવંત.
૧૯. વિવિધ દેશની ભાષા જાણે, જેથી વિવિધ દેશોના શિષ્યોને સહેલાઈથી શાસ્ત્રો ભણાવી શકે અને તે તે દેશના લોકોને તે તે ભાષાવડે ધર્મમાર્ગમાં જોડી શકાય.
૨૦-૨૪. પાંચ પ્રકારના જ્ઞાનાચાર વગેરે આચારોથી યુક્ત એટલે ઉજમાળ. કારણ કે પોતે આચારમાં અસ્થિર હોય તો બીજાઓને આચારોમાં પ્રવર્તાવી શકતા નથી.
૨૫. સૂત્રાર્થ અને તદુભયના જાણકાર, તે સૂત્રાર્થ તદુભયવિજ્ઞ. તેની ચતુર્ભગી આ પ્રમાણે છે.